છેક દિલ્હીમાં દેશલપરના ડંકા વાગ્યા ! : દિલ્હીમાં યોજાયેલ નેશનલ કેડેટ કોર્પ્સ રેલીમાં ભાગ લઈ કચ્છનું ગૌરવ વધારતો મહેક ભગત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધી.
( સી.ડી.કરમશીયાણી દ્વારા )
નવી દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ૨૮ જાન્યુઆરીના બપોરના ૧૨ કલાકે યોજાયેલ નેશનલ કેડેટ કોર્પ્સ રેલીમાં કચ્છના દેશલપર (વાંઢાય)ના મહેક ભગતે ભાગ લઈ ડંકો વગાડી દીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરેડનું નિરીક્ષણ કર્યું
NCC ની આ રેલી પ્રજાસત્તાક દિવસ ઉજવણીની પરાકાષ્ઠા છે અને દર વર્ષે 28 જાન્યુઆરીએ યોજાય છે. આજના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને NCC ટુકડીઓની માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી. NCC કેડેટ્સએ આર્મી એક્શન, સ્લિથરિંગ, માઈક્રોલાઈટ ફ્લાઈંગ, પેરાસેલિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું જેના વડાપ્રધાન સાક્ષી બન્યા હતા. શ્રેષ્ઠ કેડેટ્સને વડાપ્રધાન તરફથી મેડલ અને દંડો આપવામાં આવ્યો હતો.
બાળપણથી જ દેશદાઝથી રંગાયેલ છે મહેક ભગત
બાળપણથી જ દેશદાઝથી રંગાયેલા મહેક જગદીશ હરીલાલ ભગતને પ્રાથમિક શિક્ષણની સાથે જ NCC સાથે જોડાવવાનું સાંપડતા ૨૬મી જાન્યુઆરી નિમિત્તે યોજાનારી ભવ્ય ઉજવણી નિમિત્તે કચ્છના દેશલપર ગામથી છેક દિલ્હી સુધી NCC REPUBLIC DAY CAMP માં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
નવોદય વિદ્યાલય ડુમરાથી જ એનસીસી સાથે જોડાઈ અને અત્યાર સુધીના ભુજ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં દિલ્હી સુધીની સફર વિશે વાત કરતાં મહેકે જણાવ્યું કે...સૌ પ્રથમ સમગ્ર ભુજ તાલુકાના કેડેટ્સની વેરાવળ ખાતે પસંદગી નેવલ યુનિટમાં કરવામાં આવી..ત્યારબાદ જામનગર ખાતે પસંદગી થઈ.જામનગર બાદ અમદાવાદ ખાતે જિલ્લા લેવલના સિલેકશન બાદ પસંદગી થઈ.
અમદાવાદ ખાતે સમગ્ર કચ્છ જિલ્લામાંથી માત્ર બે જ કેડેટ્સની પસંદગી કરવામાં આવી જેમાંના એક મહેકની પસંદગી થઈ.
સમગ્ર ગુજરાતમાંથી ૫૭ કેડેટસની પસંદગી
આમ સમગ્ર ગુજરાત રાજ્યની જે ૫૭ કેડેટ્સની ફાઈનલ ટીમ બનાવવામાં આવી તેમાં મહેક પસંદગી પામ્યો હતો અને ગુજરાત વતી ગયા એકાદ મહિનાથી દિલ્હી ખાતે જ રહીને તાલીમ મેળવી હતી.
આજે યોજાયેલી આ રેલીમાં વિશ્વના વિવિધ બાર દેશોના પ્રતિનિધિઓ સાથે ભારતના પ્રધાનમંત્રીશ્રીની હાજરીમાં પરેડ યોજવામાં આવી હતી તેમાં ગુજરાતની ટીમમાં મહેક ભગતે પોતાનું કૌવત બતાવ્યું હતું.. જેનું રાષ્ટ્રીય ટીવી ચેનલ અને સમાચાર ચેનલો પર લાખો લોકોએ લાઈવ પ્રસારણ જોયું હતું.
આટલા સુધી મહેકે જે સિદ્ધિ મેળવી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ દેશભક્તિ પામવાના ઊંચા શિખરો સર કરો તેવી મા ઉમિયા પાસે પ્રાર્થના અને શુભકામનાઓ...