ચિર વિદાય : દેવજીભાઈ રામજીભાઈ જબુવાણી (થાણા) અને હરિલાલ માવજીભાઈ સાંખલા (વલસાડ)નું દુઃખદ અવસાન...દોલતપર ગામ અને સમાજના બબ્બે કર્મઠ કાર્યકરોના નિધન થતાં શોક છવાયો...
આજીવન સમાજ સેવક અને શિક્ષણ પ્રેમી એવા થાણા રહેતા દેવજીભાઈ રામજીભાઈ જબુવાણીનું ૮૯ વર્ષની વયે ૨૬ જાન્યુઆરીના દિવસે નિધન થતાં સમગ્ર થાણા સહિત લખપત તાલુકા સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
વરસોથી થાણા રહેતા દેવજીભાઈ જબુવાણીએ તેમની યુવા અવસ્થામાં અનેક નેત્રદીપક કાર્યો કર્યા હતા, જેને આજે પણ મુંબઈ અને થાણા સમાજના લોકો યાદ કરે છે.
રે રોડ,થાણા અને મુંબઈ યુવક મંડળની સ્થાપના કરી
૧૯૫૫ માં રે રોડ મુંબઈ યુવક મંડળના સ્થાપક પ્રમુખ તરીકે સેવા આપ્યા બાદ ૧૯૬૫ માં થાણા અને ત્યાર બાદ ૧૯૬૬ માં મુંબઈ યુવક મંડળની પણ સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ થાણા સમાજના પ્રમુખ તરીકે પણ ત્રણ ટર્મ રહ્યા હતા. તેઓ અનેકવિધ વ્યાપારી અને સામાજિક- ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય રહ્યા હતા.
લખપત તાલુકા સમાજના પણ માર્ગદર્શક હતા...
કચ્છમાં લખપત તાલુકા સમાજના ઉપપ્રમુખ તરીકે ૨૦ વર્ષ અને ત્યાર બાદ ટ્રસ્ટી તરીકે પણ તેમની સેવાનો લાભ સમાજને છેલ્લે સુધી આપતા રહ્યા હતા. દોલતપર ગામ અને લક્ષ્મીનારાયણ સમાજના વિકાસમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું હતું.
દોલતપર લક્ષ્મીનારાયણ સમાજના મહામંત્રી હરિલાલ સાંખલાનું પણ નિધન
દોલતપર ગામ અને લખપત તાલુકા સમાજને દેવજીભાઈ જબુવાણીના નિધનની કળ વળી નહોતી ત્યાં ગઈકાલે ૩ ફેબ્રુઆરીના દોલતપર લક્ષ્મીનારાયણ સમાજના મહામંત્રી અને વલસાડ રહેતા સમાજના હોનહાર કાર્યકર્તા હરિલાલ માવજીભાઈ સાંખલાનું પણ અચાનક મરણ થતાં સમગ્ર દોલતપર ગામ અને વલસાડ સમાજમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. ગઈરાત્રે આવેલ હાર્ટ એટેકના જોરદાર હુમલામાં તેમને બચાવવાના પ્રયાસો કારગર નિવડયા નહોતા અને સાંખલા પરિવારને એક મોભી ગુમાવવો પડ્યો હતો.
મળતાવડા અને હસમુખા સ્વભાવના કારણે વલસાડ સમાજમાં સારી ચાહના મેળવી હતી. સમાજના દરેક કાર્યોમાં તેઓ સદાય અગ્રેસર રહી સકારાત્મક ભૂમિકા ભજવી હતી. વલસાડ ખાતે પાટીદાર સૌરભના પ્રતિનિધિ તરીકે શરૂઆતથી જ સક્રિય રહયા હતા.
દેવજીભાઈ જબુવાણી અને હરિલાલ સાંખલા, એક અઠવાડિયામાં સમાજના બબ્બે ધુરંધરોની વિદાયથી દોલતપર સમાજ તો હતપ્રભ થઈ ગયો છે.. સમાજના આ બંને કર્મવીર સમાજ પ્રેમીઓને સલામ..