સેવાના ભેખધારીની અણધારી વિદાય : અબોલા જીવોની સારવારમાં જીવન ખર્ચી નાખનારા વિથોણના વેલાબાપા નરસિંગાણીની વિદાય પણ વસમી રહી... શ્વાનની સારવાર માટે ભુજ જતી વખતે અકસ્માતમાં ગંભીર ઈજા થતાં શહાદતને વર્યા..
વેલાબાપા!
વિથોણના અવાડાવાડીમાં રહેતા ૭૮ વર્ષિય વેલજીભાઈ હરજીભાઈ નરસિંગાણીને આખું ગામ અને પાંચાડો વેલાબાપા તરીકે જ ઓળખે! અબોલા જીવો માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા વેલાબાપા હવે આપણી વચ્ચે રહયા નથી...
પશુ-પંખીના તેઓ ઘરેલુ ડોક્ટર હતા !
વેલાબાપાએ તેમની પાછલી જિંદગીમાં વિથોણ ગામના વન-વગડામાં નિઃસ્વાર્થભાવે અબોલા જીવોની સેવા કરેલ છે. નાનપણમાં ખેતીના વ્યવસાયમાં સંકળાયેલા હોવા છતાં અબોલા પશુ- પંખી માટેનો તેમનો પ્રેમ શરૂઆતથી જ હતો. દેશલપરના પશુ ડોકટર માણેક સાહેબ સાથે તેમનો સારો ઘરોબો હતો, જેને લઈને વેલાબાપામાં પણ પશુ-પંખીના દર્દ અને તેની સારવારની ઉંડી સૂઝ-સમજ હતી !
શ્વાનની સારવાર માટે જતા હતા ત્યારે જ ગંભીર અકસ્માત નડયો...
એકાદ મહિના પહેલાં એક શ્વાનની સારવાર માટે તેઓ તેને ઝોળીમાં નાંખીને બાઈકથી ભુજના કરૂણાધામ કેન્દ્રમાં જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર સાથેના ગોઝારા અકસ્માતમાં ગંભીર ઈજા થતાં પગ ગુમાવવો પડ્યો હતો. વધારે સારવાર માટે તેમને અમદાવાદ લઈ જવાયા હતા પણ તેમને બચાવવાના તબીબોના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને તા.૧૮/૨/૨૦૨૨ ના વિથોણ ખાતે તેમના નિવાસસ્થાને જ દેહ છોડયો હતો. તેમના અચાનક અવસાનથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયો છે.
નામી-અનામી દાતાઓ તરફથી પણ સુંદર સહયોગ મળતો હતો...
મૂંગા પશુ-પંખીની સેવા પાછળ તેઓ સમયદાન અને પરિશ્રમની સાથે સારો એવો આર્થિક ખર્ચ પણ ભોગવતા હતા. જો કે, તેમની આવી ઉમદા પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને અનેક નામી-અનામી દાતાઓ તરફથી આ પ્રવૃત્તિનો વ્યાપ વધારવા માટે સારું એવું દાન પણ મળી રહ્યું હતું. ખાસ તો વેલાબાપાએ કોઈ પણ જાતની અપેક્ષા વગર નિઃસ્વાર્થભાવે શિયાળો, ઉનાળો કે ચોમાસામાં કષ્ટ વેઠીને પણ જે સેવા કરી છે તે વિથોણ પંથકના લોકો ભૂલી શકે તેમ નથી... તેમના ધર્મપત્ની નાનુબેનનો પણ આ પ્રવૃતિમાં સંપૂર્ણ સહયોગ મળતો હતો.
તેમના કાર્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ...
આજકાલ આપણે સમાજમાં જોઈએ છીએ કે,. ઘરના કે પરિવારના સભ્યોની સેવા કરવામાં પણ ઘણા લોકો પાછા પડી રહયા છે ત્યારે વિથોણના વેલાબાપાએ પ્રગટાવેલી અબોલા જીવોની સેવાની આ જયોત સદાય પ્રજ્વલિત રહે તે જરૂરી છે અને એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ પણ છે...!