કેન્યામાં કચ્છી પાટીદાર ઝળકયા : ક્રિકેટ કેન્યાના નવા ચેરમેન તરીકે મનોજ છાભૈયા...કેન્યાની અન્ડર ૧૯ ટીમમાં રમી ચૂક્યા છે મનોજભાઈ...કચ્છમાં ખીરસરા(રોહા)ના મૂળ વતની છાભૈયા ૩૫ વર્ષથી મોમ્બાસા રહે છે...
કેન્યા ક્રિકેટ બોર્ડના ચેરમેન તરીકે મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા રોહા ગામના મનોજ નરશીભાઈ છાભૈયા ચૂંટાઈ આવતાં વૈશ્વિક ક્રિકેટ ક્ષેત્રે એક કચ્છી પાટીદારે નવું જ સીમા ચિન્હ હાંસલ કર્યું છે.
મનોજ છાભૈયાએ હરીફોને ધૂળ ચાટતા કરી દીધા...
ગઈકાલે મોમ્બાસામાં મોઇ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર કસરાની ખાતે ક્રિકેટ કેન્યાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મનોજ પટેલનો ભવ્ય વિજય થયો હતો.મનોજ પટેલને 51 મત જ્યારે તેમના હરીફ ફ્લોર્ડ સ્ટ્રે લાયન્સ ક્રિકેટ ક્લબના અધ્યક્ષ ચિદમ્બરન સુબ્રમણ્યમ અને અનુભવી ક્રિકેટર તારિક ઈકબાલને શૂન્ય મત મળ્યા હતા.
નવા ચૂંટાયેલા ચેરમેન મનોજ પટેલને મૈના કિરુમા કામાઉ (વાઈસ ચેરમેન), કલ્પેશ સોલંકી (ખજાનચી), પેર્લિન ઓમામો (ડિરેક્ટર વિમેન્સ ક્રિકેટ) અને ભૂતપૂર્વ કેન્યા આંતરરાષ્ટ્રીય કેનેડી ઓટિનો ઓબુયા (કાઉન્ટી એસોસિએશનના પ્રતિનિધિ) દ્વારા મદદ કરવામાં આવશે.
મનોજ પટેલનો જવલંત વિજય
IEP દ્વારા સિત્તેર જેટલા પ્રતિનિધિઓને ચૂંટણીમાં ભાગ લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્હોન ઓહાગાની અધ્યક્ષતાવાળી સ્પોર્ટ્સ ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ (SDT) દ્વારા સ્વતંત્ર ચૂંટણી પેનલની અપીલને પગલે ઇકબાલ ચૂંટણી રોકવાની કોશિશમાં હારી ગયા પછી ચૂંટણી આયોજન મુજબ આગળ વધી હતી જેમાં મનોજ પટેલનો જ્વલંત વિજય થયો હતો.
ક્રિકેટ કેન્યાના નોર્મલાઇઝેશન કમિટીના અધ્યક્ષ લેડી જસ્ટિસ જોયસ એલુચે કહ્યું: "અમે ટૂંક સમયમાં જ નવા ચૂંટાયેલા લોકોને ઓફિસ સોંપીશું."
કેન્યાની અન્ડર ૧૯ ટીમમાં રમી ચૂક્યા છે મનોજ છાભૈયા
મનોજ છાભૈયા કેન્યાની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમી ચૂક્યા છે. તેમનો પરિવાર છેલ્લા ૩૫ વર્ષથી કેન્યાના મોમ્બાસા શહેરમાં વસવાટ કરે છે અને કન્સ્ટ્રકશન સહિતનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવે છે.
વતનના ગામ ખીરસરામાં ખુશીની લહેર
મનોજ પટેલના વતન ખીરસરામાં આ સમાચાર પહોંચતાં જ ગામ લોકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા અને મનોજના માતા-પિતાને અભિનંદન આપવા હોડ લગાવી દીધી હતી.
મનોજના પિતા નરશીભાઈ કરમશીભાઈ છાભૈયા હાલમાં કચ્છમાં ખીરસરા ગામે જ રહે છે. સ્થાનિક માં મોટી ખેતીવાડી ધરાવતા નરશીભાઈને જ્યારે મનોજના ચેરમેન બનવા બાબતે પ્રતિક્રિયા આપવા જણાવ્યું તો તેઓ તેમની ખુશી છુપાવી શકયા નહોતા અને જણાવ્યું કે, ' ગઈરાત્રે જ કેન્યાથી પુત્રવધૂ અને દીકરીનો કોલ આવ્યો હતો જેમાં જે સ્ટેડિયમમાં ચૂંટણી યોજાઈ રહી હતી તેની બહાર સમર્થકો દ્વારા 'મનોજ...મનોજ...'ના નારા સંભળાઈ રહયા હતા... મનોજને શરૂઆતથી જ કેન્યાના ક્રિકેટ જગતમાં ખૂબ રસ હતો, જે તેને ક્રિકેટ કેન્યાના ચેરમેન સુધી લઈ ગયો '