ઐતિહાસિક અવસર : નરોડાના આંગણે ૧૨ અને ૧૩ માર્ચના યોજાનાર કેન્દ્રીય સમાજની કાર્યશાળાની તૈયારીઓને અંતિમ ઓપ... કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ... ભારતભરમાંથી કર્મવીર કાર્યકર્તાઓ કર્ણાવતી આવવા રવાના...
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ૧૨ અને ૧૩ માર્ચના નરોડા, અમદાવાદ ખાતે યોજાનાર સમાજની ઐતિહાસિક કાર્યશાળાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને ભારતભરમાંથી કર્મવીર કાર્યકર્તાઓએ કર્ણાવતી તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે.
સમાજને દિવ્ય અને દેદીપ્યમાન બનાવવાના ઉદ્દેશ સાથે બે દિવસની આ કાર્યશાળા અને કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.અગાઉ જાન્યુઆરી મહિનામાં આ કાર્યશાળા યોજાવાની હતી પણ કોવિડની પરિસ્થિતિને લીધે જે તે સમયે સમગ્ર આયોજન મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
શ્રેષ્ઠ વક્તાઓને સાંભળવા મળશે
બે દિવસની આ કાર્યશાળામાં ભાગ લેનારા જ્ઞાતિના કર્મવીરોને ગુજરાતના નામાંકિત શ્રેષ્ઠ વક્તાઓને સાંભળવાનો પણ લ્હાવો મળશે. શૈલેષ સગપરિયા 'પદધર્મ' વિશે તો જય વસાવડા 'પદધર્મ અને કર્તવ્ય તત્પરતાનું ઘડતર' વિષય પર તેમની વાણીનો લાભ આપશે.
સનાતન ધર્મ પર વિશેષ ભાર...
વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલ પણ પદધર્મની વ્યાખ્યા સમજાવશે. પ્રખર સનાતની હિંમતભાઈ ખેતાણી 'સનાતન ધર્મનું સ્વાભિમાન મારું દાયિત્વ..' અંગે માર્ગદર્શન આપશે તો સનાતની રમેશભાઈ વાગડિયા 'સનાતન મુહિમને ઓળખીએ..' એ વિષય પર વક્તવ્ય આપશે.
આ કાર્યશાળામાં શુભાષ દુઆની નજરે સનાતન મુહિમનું ઔચિત્ય અને ચંદ્રકાન્ત છાભૈયા દ્વારા 'એકતા, સંપ અને સંગઠનના ખોટા ઓથાને જાણીએ... પીછાણીએ ' વિષય પર ધારદાર વક્તવ્ય રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય સમાજના વરિષ્ઠ ટ્રસ્ટી ગોપાલભાઈ ભાવાણી કેન્દ્રીય સમાજની યશ ગાથા રજુ કરશે.
અમદાવાદ ઝોન સાથે સ્નેહમિલન પણ યોજાશે
કાર્યશાળાના બીજા દિવસે સવારના યજમાન અમદાવાદ ઝોન અને સંલગ્ન ઘટક સમાજ સાથે સ્નેહમિલન યોજાશે . આ પ્રસંગે વિદ્યા સેતુ યોજનાના મેઘા ઈનામી ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.બપોર બાદ કેન્દ્રીય સમાજની કારોબારી સભા મળશે જેમાં સમાજ વિકાસ અંગે ચર્ચા અને આગામી લક્ષ્યાંકો માટે મનોમંથન કરવામાં આવશે.
જ્ઞાતિ સુધારકોના સન્માનમાં કક્ષને તેમના નામ અપાયા...
નરોડા સમાજવાડી ખાતે યોજાનાર આ કાર્યશાળામાં બેઠક વ્યવસ્થા માટે ત્રણ કક્ષ બનાવવામાં આવ્યા છે. સમાજના પ્રખર સુધારક નરવીરોના નામ પરથી આ કક્ષના નામ નારાયણજી કક્ષ, કેશરા પરમેશ્વરા કક્ષ અને કર્મવીર રતનશી કક્ષ... રાખવામાં આવ્યા છે. આપણા સમાજના ઈતિહાસની ઝાંખી દર્શાવતી ગેલેરી પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ જયંતિ લાકડાવાળાના માર્ગદર્શન નીચે પ્રચાર- પ્રસાર સમિતિના વડા ડૉ.વિઠ્ઠલભાઈ ભાવાણી, અમદાવાદ ઝોન સમાજના પ્રમુખ આર.એન.પટેલની સમગ્ર ટીમ જોરદાર કામગીરી કરી રહી છે.
પ્રચાર- પ્રસાર સમિતિના વડા ડૉ.વિઠ્ઠલભાઈ ભાવાણીએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધી સમગ્ર ભારતમાંથી ૨૪૦ સભ્યોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. દરેકના ઉતારા માટે યજમાન સમાજ દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને કાર્યશાળાને યાદગાર બનાવવા સમાજના કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે.