'ના'રાજીનામું : નખત્રાણા કોલેજના ટ્રસ્ટ મંડળની નીતિરીતિથી નારાજ આણંદના ડૉ. મોહનભાઈ છાભૈયાનું કોલેજના સંચાલનમાંથી રાજીનામું...જવાબદારો સમક્ષ અનેક વખત રજૂઆતો કરી જોઈ પણ કોઈ જ પરિણામ ન આવ્યું !!
કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત નખત્રાણા કોલેજના ટ્રસ્ટીઓની નિષ્ક્રિયતા અને નીતિરીતિથી ત્રસ્ત થઈને આખરે આ કોલેજનું સંચાલન સંભાળતા આણંદના ડૉ. મોહનભાઈ છાભૈયાએ રાજીનામું આપી દીધું છે.
કોલેજ ગ્રાન્ટેબલની જાહેરાત થઈ પણ હજુ ઘણા પ્રશ્નો બાકી...
અનેક વર્ષોની સતત રજૂઆતો બાદ આ કોલેજને ગ્રાન્ટેબલ કરવાની સરકારે જાહેરાત કરી છે પણ કોલેજના તમામ પ્રાધ્યાપકોને નિયમાનુસારના પગાર ધોરણમાં સમાવેશ કરવા સહિતની અનેક આનુષંગિક કાર્યવાહી પૂરતી રજૂઆતોના અભાવે આગળ ધપતી ન હોઈ, વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ટ્રસ્ટ મંડળની નિષ્ક્રિયતાને કારણે કોલેજનો પ્રશ્ન દિનપ્રતિદિન પેચીદો બનતો જાય છે.
આ કોલેજના ટ્રસ્ટ મંડળમાં કચ્છ પાટીદાર સમાજના પણ અનેક મહાનુભાવો છે અને અત્યાર સુધી સારું યોગદાન આપેલ છે. કચ્છ કડવા પાટીદાર સમાજે આપેલા આર્થિક યોગદાનને કારણે જ અત્યાર સુધી કોલેજનું સંચાલન શકય બન્યું છે, પણ હવે ટ્રસ્ટીઓની નિષ્ક્રિયતાને કારણે અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.
દાતાઓના સહકારથી જ કોલેજ ટકી રહી છે
નખત્રાણાની આ કોલેજ છેક ૨૦૦૧ થી કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાનના નેજા હેઠળ ચાલી રહી છે.જી.એમ.ડી.સી.ના સહાયથી નિર્માણ થયેલ આ કોલેજને સમાજના દાતાઓએ સહાય કરતા આ કોલેજનું નામકરણ મણીભાઈ વાલજીભાઈ રામાણી એન્ડ મણીલાલ પુંજાભાઈ રામાણી આર્ટસ કોલેજ અને રતનશીભાઈ ખીમજીભાઈ ખેતાણી કોમર્સ કોલેજ તરીકે કરવામાં આવેલ છે.
નવા પ્રમુખની વરણીમાં વિલંબ સમજાતો નથી
અગાઉના પ્રમુખ મનસુખભાઈ રૂડાણીએ રાજીનામું આપ્યાને દોઢ - બે વર્ષ થઈ ગયા છતાં નવા પ્રમુખની વરણી અંગે સંસ્થા દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતાં સંસ્થા સુષુપ્ત અવસ્થામાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
નખત્રાણાની જી.એમ.ડી.સી. કોલેજ સમાજની છે તેવી હવા ફેલાયેલી છે પણ હકીકતમાં આ કોલેજ કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન ચલાવે છે અને તેના ટ્રસ્ટી તરીકે અન્ય મહાનુભાવો ઉપરાંત કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ છે. કોલેજ બંધ ન પડે અને વિધાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે આશયથી અગાઉ સમાજના કેટલાક દાતાઓ આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જોડાણા હતા પણ હવે આ ટ્રસ્ટ મંડળમાં નવા ઉત્સાહી, શિક્ષણના ક્ષેત્રને ન્યાય આપી શકે તેવા કાર્યકરોને જ જોડવાની તાતી જરૂર છે. સંસ્થાના નવા પ્રમુખની વરણી જેવું સામાન્ય કામ પણ ન થતું હોય ત્યાં હાલના સંચાલક મંડળ પાસે વિકાસની બીજી અપેક્ષાઓ રાખવી વધુ પડતી હોઈ, આ સંસ્થાની નવરચના કરવી જરૂરી બની ગઈ છે.
પ્રો. મોહનભાઈ છાભૈયાએ સુંદર પ્રયાસ કર્યા પણ...
પ્રો. મોહનભાઈ છાભૈયાએ આ કોલેજને પાટે ચઢાવવા અત્યાર સુધી સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે પણ સંચાલક મંડળની કાર્યપદ્ધતિથી તેઓ લાંબા સમયથી નાખૂશ હતા. તેમણે આ બાબતે મુખ્ય હોદ્દેદારો સાથે અનેક વખત વાત કરી છે પણ તેમ છતાં કોઈ સુધારો ન થતાં આખરે ખફા થઈને આ કોલેજનું સંચાલન છોડી દીધું છે.
તાજેતરમાં આ કોલેજના એક પ્રાધ્યાપક વિરૂધ્ધ સરકારમાં ફેકસ મેસેજ કરી ખંડનાત્મક પ્રવૃત્તિ કરવામાં ટ્રસ્ટ મંડળના એક સભ્યની ભૂમિકા સામે આંગળી ચીંધાઈ રહી છે તે પ્રકરણે પણ જવાબદાર સામે કોઈ જ કાર્યવાહી ન થતાં પ્રો.મોહનભાઈ છાભૈયાએ ટ્રસ્ટના જવાબદાર અગ્રણીઓ સમક્ષ ગંભીર ફરિયાદ કરી હતી પણ તેનું પણ કોઈ જ પરિણામ આવ્યું નહોતું !!