ચકચાર : ૧૫ લાખની ખંડણી માટે હાથકણંગલેના દીપક પોકારના અપહરણ બાદ હત્યાથી ખળભળાટ...હત્યાનો મુખ્ય સૂત્રધાર પણ કચ્છી પાટીદાર એવો પચાણ પોકાર નીકળતાં સમગ્ર સમાજમાં સનસનાટી.
મહારાષ્ટ્રના કોલ્હાપુર વિસ્તારમાં ૧૫ લાખની ખંડણી માટે ૧૮ દિવસ પહેલાં અપહરણ કરાયેલા કચ્છી પાટીદાર દીપક પોકારનું અપહરણકારોએ ખૂન કરી નાખતાં સનસનાટી મચી ગઈ છે. અપહરણ અને હત્યામાં સંડોવાયેલા એક કચ્છી પાટીદાર સહિત ચાર આરોપીની પોલીસે ગઈકાલે ધરપકડ કરી લીધી છે.
૨૩ માર્ચના જ અપહરણ થયું હતું...
કચ્છમાં ઘડાણીના અને કોલ્હાપુર જિલ્લાના હાથકણંગલેમાં શંકર વિજય સો મીલ ધરાવતા હિરાલાલ લખમશી પોકારના મોટા પુત્ર દીપકનું અપહરણકર્તાઓએ ૨૩ માર્ચના તેમની સો મીલના દરવાજા પાસેથી જ અપહરણ કર્યું હતું. રાત્રે સો મીલ બંધ કરીને મોટરસાયકલ પર ઘર તરફ જવા બહાર નીકળ્યો તે સમયે જ વેનમાં આવેલા અપહરણકર્તા તેને ગાડીમાં ખેંચી લીધો હતો તો એક જણ તેની મોટરસાયકલ લઈને થોડેક આગળ ગયા બાદ તેને રેઢી મૂકી દીધી હતી. બીજા દિવસે તેના નાના ભાઈ રાહુલને ફોન કરીને ૧૫ લાખની ખંડણી માંગતા દીપકનું અપહરણ થયાની જાણ થઈ હતી.
પૈસા લઈને રાહુલને એકલાને જ આવવાની સૂચના આપી...
અપહરણ બાદ સતત બે દિવસ સુધી રકમ પહોંચાડવા માટે અપહરણકર્તાઓએ દીપકના મોબાઈલમાંથી જ રાહુલને ફોન કર્યા હતા પણ સ્થાનિક અખબારોમાં આ કાંડ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ અપહરણકર્તાઓએ વાર્તાલાપ બંધ કરી દીધો હતો.
અપહરણકર્તાઓએ ફોન કરવાનું બંધ કરી દેતાં બધા ચિંતામાં મુકાઈ ગયા હતા અને આજુબાજુના રસ્તામાં આવતા cctv ફૂટેજના આધારે શંકાસ્પદ સ્થળો પર પોલીસ ટીમ સાથે સમાજના સ્થાનિક યુવાનોએ શોધખોળ આરંભી દીધી હતી પણ કોઈ સુરાગ મળતો નહોતો...
દીપકની હત્યા કરી રાધાનગરીના જંગલમાં લાશ દાટી દીધી...
પોલીસની સ્થાનિક ગુન્હા શોધક શાખાએ રાખેલ વોચમાં ગઈકાલે ચારેય અપહરણકર્તા ઝડપાઈ ગયા હતા અને અહીંથી ૫૫ કિ.મી. દૂર કર્ણાટક સરહદે આવેલ રાધાનગરીના જંગલમાં હત્યા કરી દાટી દીધેલ દીપકની લાશ અંગે પણ મોઢું ખોલતાં પોલીસે વિકૃત થઈ ગયેલ લાશ કબજે કરી હતી.
મુખ્ય સૂત્રધાર તરીકે પચાણ પોકારનું નામ ખૂલ્યું...
અપહરણ અને હત્યાના આ ગુનામાં પોલીસે જે ચાર ઈસમની ધરપકડ કરી છે તેમાં મુખ્ય સૂત્રધાર તરીકે કચ્છી પાટીદાર પચાણ વાલજી પોકાર (ઉ.વ.૫૦) કચ્છમાં કાદિયા મોટાનું નામ ખૂલતાં જ સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
પોસ્ટમોર્ટમ બાદ મૃતકની લાશ આજે પરિવારજનોને સુપ્રત થયા બાદ તેની સ્મશાનયાત્રા નીકળી હતી જેમાં કોલ્હાપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કચ્છી પાટીદારો ઉમટી પડ્યા હતા અને પોકાર પરિવારને સાંત્વના આપી હતી.સ્વ. દીપક પોકાર તેમની પાછળ ધર્મપત્ની, પુત્ર-પુત્રી અને વિશાળ પરિવારને રડતા મૂકી ચાલ્યા ગયા છે.
સમગ્ર કાંડની ઊંડી તપાસની સમાજની માંગ
દરમિયાન, કોલ્હાપુર પાટીદાર સમાજના આગેવાનોએ કોલ્હાપુરના જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને આ અપહરણ - હત્યાકાંડની તલસ્પર્શી તપાસ કરવા અને તેમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
પચાણ પોકાર ગુન્હાહિત માનસ ધરાવે છે...
હાથકણંગલેના હત્યાકાંડમાં સંડોવાયેલ મુખ્ય આરોપી પચાણ પોકાર સામે ભૂતકાળમાં પણ હત્યા સહિતના ગંભીર પ્રકારના ૯ ગુના પોલીસ ચોપડે નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં ગોવાના પ્રવાસ દરમિયાન એક ટેક્ષી ડ્રાઈવરની હત્યા કરી તેની ગાડી લઈને ભાગી જવાના કિસ્સામાં તેણે ગોવાના જેલની હવા પણ ખાધી હતી...આ કિસ્સો જે તે સમયે બહુ ગાજયો પણ હતો.
સમાજ માટે આ ચિંતાની બાબત...
કચ્છ કડવા પાટીદાર સમાજમાં ઉપરા ઉપરી આ પ્રકારના કિસ્સાઓ બની રહ્યા હોઈ, સમાજમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.વળી ગંભીર ગુનામાં જે રીતે પાટીદાર સભ્યોની સંડોવણી બહાર આવી રહી છે તે અતિ ગંભીર બાબત છે. થોડા મહિના અગાઉ પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં એક જ પરિવારના ચાર સભ્યોની નિર્મમ હત્યામાં સગા ભત્રીજાની સંડોવણી બહાર આવી હતી તે જોઈ સમગ્ર સમાજ હેબતાઈ ગયો હતો.