આખરી વિદાય : છેલ્લા શ્વાસ સુધી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેનાર કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ મહામંત્રી અને ટ્રસ્ટી વાલજીભાઈ ચવાણ દહાણુવાળાનું દુઃખદ નિધન...
કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ મહામંત્રી અને ટ્રસ્ટી તેમજ સત્સંગ સમાજના અગ્રણી વાલજીભાઈ હીરજીભાઈ ચવાણ દહાણુવાળાનું દુઃખદ અવસાન થયું છે, તેઓ ૭૬ વર્ષના હતા. કચ્છમાં તેઓ દયાપરના હતા અને હાલે મહારાષ્ટ્રના દહાણુ રોડમાં રહેતા હતા.
કેન્સરમાં સપડાયા પણ સારવાર કારગત ન નીવડી...
છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કેન્સરની બિમારીમાં સપડાયા હતા. તબીબોની સારવાર કારગત ન નીવડતા તા.૨૪/૦૬/૨૦૨૨ ના દહાણુ ખાતેના તેમના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારના તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
સમાજની દરેક સંસ્થાઓમાં સક્રિય હતા
છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે સમયથી સામાજિક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેલા વાલજીભાઈ ચવાણનું લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના સંગઠન અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. તેઓ હાલમાં આ સંગઠનમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા.
કેન્દ્રીય સમાજમાં પણ તેમણે મંત્રી, મહામંત્રી અને છેલ્લે ટ્રસ્ટી તરીકેની સેવા બજાવી હતી.પોતાની સૌમ્ય અને સાલસ પ્રકૃતિના કારણે વાલજીભાઈ દહાણુવાળાએ દરેક સંસ્થાઓમાં સાથી કાર્યકરો સાથે આત્મીયતા કેળવી હતી.
સત્સંગ સમાજના પણ મોભી હતા...
કેન્દ્રીય સત્સંગ સમાજમાં પણ છેલ્લા પાંચ વર્ષથી તેઓ મહામંત્રીનું જવાબદારીભર્યું પદ સંભાળી રહયા હતા. તેમના અચાનક નિધનથી સત્સંગ સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું સમાજના પ્રમુખ હરિભાઈ ભગતે જણાવ્યું હતું.
પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને પરમ શાંતિ અર્પે અને કુળદેવી મા ઉમિયા માતાજી, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન નીજ ચરણોમાં તેમને સ્થાનઆપે તેવી પ્રાર્થના...
ૐ શાંતિ... ૐ શાંતિ... ૐ શાંતિ