ચલો ગાંધીનગર ! : 'મિશન રાજકીય' હેઠળ યુવાસંઘના ૨૦૦ યુવાનોની ગાંધીનગર કૂચ...ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રૂબરૂ મળીને આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટેની સમાજની લાગણી પહોંચાડી…
કેન્દ્રીય યુવાસંઘના ‘મિશન રાજકીય’ના ભાગરૂપે ભારતભરમાંથી આવેલા ૨૦૦ યુવાનોએ ૨૮ જૂનના ગુજરાતના પાટનગર ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત મંત્રીમંડળના સભ્યોની શુભેચ્છા મુલાકાત કરી વાર્તાલાપ કર્યો હતો અને કેકેપી સમાજની રાજકીય લાગણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકીય-સામાજિક અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું
અગાઉથી નિર્ધારીત કાર્યક્રમમુજબ તા.૨૮-૬-૨૦૨૨ના વહેલી સવારે ગાંધીનગર જી.આઈ.ડી.સી. કોમ્યુનિટી હોલ ખાતે યુવા સંઘના કેન્દ્રીય પ્રમુખ હિતેશ રામજીયાણીની અધ્યક્ષતામાં બધા ભેગા થયા હતા અને રાજકીય વિચાર વિમર્શ કર્યો હતો. ડા.ચંદ્રિકાબેન છાભૈયા (પ્રદેશ ભાજપ મહિલા મોરચા મહામંત્રી), ડા.સુરેશભાઈ રંગાણી (સારંગ) ( PMO,CRDT સેન્ટ્રલ પીસ કમિટી રેલ મંત્રાલય), પટેલ નીલેશભાઈ મણિલાલ (કઠલાલ APMC ચેરમેન), અશ્વિનભાઈ છાભૈયા (ભાજપ કિસાન મોરચા પ્રમુખ બાયડ) તેમજ રાજકીય અને સામાજીક આગેવાન જેન્તીભાઈ પટેલ, ભરતભાઈ સોમજીયાણી, ડા.વિપુલભાઈ છાભૈયા, ડા.પંકજભાઈ પારસીયા, પ્રતાપભાઈ છાભૈયા, મયુરભાઈ રંગાણી વગેરે મહાનુભાવોએ રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
યુવા ટીમે કેબિનેટ મંત્રીઓની પણ મુલાકાત લીધી
સચિવાલય સાબરમતી હોલ ખાતે કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, નરેશભાઈ પટેલ અને અર્જુનસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને તેમની મુલાકાત સમયે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, મહેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા અને પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ સાથે પણ મુલાકાત કરવાનો યુવાસંઘના સભ્યોને લહાવો મળેલ.
ગાંધીનગરની રાજકીય યાત્રા સફળ રહી...
સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે મંત્રી મંડળ દ્વારા ટીમયુવાસંઘ માટે ભોજનની પણ ઉત્તમવ્યવસ્થા કરવામાં આવી હતી. સમાજના ઉર્જાવાન યુવાધનને રાજકીય ક્ષેત્રે કારકિર્દીને આગળ કઈ રીતે વધારવી તે હેતુથી આ પ્રેરણાત્મક અનુભવાત્મક ગાંધીનગરની રાજકીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂંકા સમયગાળામાં ૨૦૦ ઉપરાંત યુવાનોએ આ મિશનમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કન્વીનર મયૂર રંગાણીની જહેમત રંગ લાવી...
આ સમગ્ર આયોજન પાછળ મૂળ દયાપરના અને હાલમાં સુરત રહેતા મયૂરભાઈ રંગાણીની જહેમત છે. ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા મયૂરભાઈ સુરતમાં સક્રિય હોવાને લીધે ભાજપની સ્થાનિક નેતાઓ અને ગાંધીનગર આલાકમાન્ડ સાથે પણ ઘનિષ્ઠ સંપર્કો છે. તેમની પહેલથી જ યુવાસંઘના બેનર હેઠળ 'મિશન રાજકીય' કાર્યક્રમ શકય બન્યો છે.
મયૂરભાઈ રંગાણી જે રીતે ભાજપમાં સક્રિય છે તે જોતાં રાજકીય ક્ષેત્રે તેમનું ભવિષ્ય ચોક્કસ ઉજળું છે. તેમના ઉત્સાહને જોઈને જ યુવાસંઘે તેમને રાજકીય જાગૃતિ માટેની સમિતિના કન્વીર બનાવ્યા છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવાસંઘના રાજકીય કન્વીનર મયુરભાઈ રંગાણી (સુરત), રમેશભાઈ દડગા (કોઠારા) યુવાસંઘ PDO, જયભાઈ ચૌહાણ (ચીખલી), ગીરીશભાઈ વેલાણી (લાયજા) એ સુંદર જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ ભગત દ્વારા કરવામાં આવેલ.