ચમત્કાર : કચ્છના નખત્રાણા તાલુકાના ઉગેડી ગામમાં વરસાદ માટે થયો સફળ વૈજ્ઞાનિક પ્રયોગ...પર્યાવરણ શુદ્ધિ- વર્ષા મહાયજ્ઞ દરમિયાન જ થયો શ્રીકાર વરસાદ...
( ઈશ્વરભાઈ શેઠીયા દ્વારા )
જીવ કલ્યાણ સમિતિ ઉગેડી દ્વારા યોજાયેલા પર્યાવરણ શુદ્ધિ- વર્ષા મહાયજ્ઞમાં વરસાદ માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ સફળ થતાં આ મહાયજ્ઞમાં ભાગ લેનારા હજજારો લોકો અચંબિત થઈ ગયા હતા !
૨૪ ગામના લોકોએ આપી એક લાખ આહુતિ...
આદરણીય ડૉ. કમલનારાયણજીના માર્ગદર્શનમાં મહાકાય હવનકુંડમાં થયેલા મહાયજ્ઞમાં ૧૦૦૦૦૦ આહુતિમાં ૬૦૦ કિલો દેશી ગૌ માતાનું શુદ્ધ ઘી તથા ૨૦૦૦ કિલો આયુર્વેદિક ઔષધિઓ વપરાઈ હતી...
તારીખ ૨૮/૬/૨૦૨૨ ના રોજ વાદળો રહિત આકાશમાં પવનના સુસવાટા વચ્ચે આ મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં સમાપન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞનું આયોજન ઉગેડી ગામના સાંખલા પરિવારના સદસ્યો શ્રી ધરમશીભાઈ તથા શાંતિભાઈ અને તેમના ચારેય ભાઇઓના યજમાન પદે તથા સંપુર્ણ ઉગેડી પાટીદાર સમાજ તથા ઉગેડી જીવ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસપાસ ૨૪ પાટીદાર ગામોના હજારો લોકોએ એક લાખથી વધુ આહુતિઓ આપી હતી.
૩૦ વર્ષથી આ પ્રયોગ કરી રહયા છે ડૉ.કમલનારાયણજી...
આ વૈજ્ઞાનિક પ્રયોગના પ્રણેતા અને માર્ગદર્શક આદરણીય ડૉ.કમલનારાયણજી વેદાચાર્ય રાયપુર થી પધારેલા હતા, જેઓ હમણાં સુધી ૨૯ સફળ વૈજ્ઞાનિક પ્રયોગ કરી ચુક્યા છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષ થી આ વિષય પર નિરંતર સંશોધન કરી રહ્યા છે. પવનની ગતિનું નિયંત્રણ, વાદળોનું નિર્માણ અને બાષ્પીભવન તથા વર્ષા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અનેક આયુર્વેદિક ઔષધિઓના પ્રયોગથી કરવામાં આવી હતી.
પ્રયોગની સફળતાનો લોકોએ જાતે જ અનુભવ કર્યો...
કાર્યક્રમની મધ્યમાં જ તારીખ ૨/૭/૨૨ ના રોજ બપોરના ૨ વાગ્યે જ પ્રારંભ થયો મુશળધાર વરસાદ... વરસી રહેલા પાણીને તપાસી વાસ્તવિકતા જાણી તો પાણીમાં ઘી તેમજ ઔષધિઓના સુગંધ અને સ્વાદ ઉપસ્થિત હતા. સૌ યજમાનોને આ અમૃત પાણી પીવા માટે આપવામાં આવેલ. તારીખ ૨/૭ /૨૨ ના પ્રારંભ થયેલો વરસાદ એક દિવસના વિરામ બાદ આજે તારીખ ૮.૭.૨૨ સુધી અવિરત ચાલુ છે. કચ્છની તરસી ધરાને મળેલા આ માતાના ધાવણ સમાન વરસાદથી ખેડૂતો અને પશુપાલકોમાં અદ્ભુત આનંદ પ્રસરી ગયો છે.
આવતા વર્ષે થશે મંગવાણા ગામે પ્રયોગ...
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુંબઈ અને પુના તથા કચ્છના નખત્રાણાથી પધારેલા ભુતપૂર્વ યજમાનો કે જેમણે પહેલા પોતાના ગામમાં આ મહાયજ્ઞ કરેલો છે એવા લુડવાના શ્રી લખમશીભાઈ વેલાણી, શ્રી વિશ્રામભાઈ પ્રેમજીયાણી,મમાયમોરા ના નરશીભાઈ દડગા, નખત્રાણાના શ્રી ગોપાલભાઇ કેશરાણી તથા તેમની સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જીવ કલ્યાણ સમિતિના સ્વયંસેવકો દ્વારા આવતા વર્ષે નખત્રાણા તાલુકાના જ મંગવાણા ગામે પુનઃ આ પ્રયોગ કરવાનું નક્કી કરેલ છે. અન્ય ગામે પણ આવા પ્રયોગો કરવામાં આવે અને કચ્છની વરસાદની અછતને દુર કરી કચ્છને સમૃદ્ધ અને સ્વસ્થ બનાવવા નો આ સમિતિએ ૨૦૧૫ થી સંકલ્પ કર્યો છે. અન્ય ગામોમાં પણ આ પ્રમાણે પ્રયોગ કરવા માટે સમિતિ નો સંપર્ક કરી શકાય છે.
સમગ્ર કાર્યક્રમનું ખુબ જ સરસ સંચાલન શ્રી સુરેશ ભાઈ દ્વારા કરવામાં આવેલ.