જવાબ આપો : વાંઢાયના મંદિરમાં પીરાણાના સાધુઓને દર્શન કરવા 'મંજૂરી' આપવામાં કોનું હિત હતું? સમાજનું કે પછી વ્યક્તિગત ? સમગ્ર તરકટ રચવા પાછળ ભેજું કોનું?
કટપ્પાને બાહુબલિ કો ક્યું મારા? એ ખૂબ જ જાણીતા સવાલનો જવાબ આપવામાં હજુ પણ લોકો માથું ખંજવાળે છે અને ગોથાં ખાઈ રહ્યા છે તેવી જ રીતે આપણા સમાજમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સતત ચર્ચાઈ રહેલ પ્રશ્ન ‘પીરાણાના સાધુઓને વાંઢાય મંદિરમાં દર્શનની મંજૂરી કેમ આપી?’ નો જવાબ પણ ક્યાંય મળતો નથી ! આ ભેદી પ્રશ્નને લઈ દેશભરનો સનાતની સમુદાય આગબબુલા થઈ રહ્યો છે...
સનાતની સમુદાયમાં ભારે નારાજગી...
એ તો સર્વવિદિત છે કે વાંઢાયના સંસ્કારધામ અને ઉમિયા માતાજી મંદિરમાં પીરાણાના સાધુઓને સમાજની ત્રણેય સંસ્થાના વડાઓએ ‘સલાહ-મસલત‘ કરી દર્શન માટેની ‘મંજૂરી‘ આપી હતી. પણ આ મંજૂરી ક્યા કારણોસર, શા માટે આપવામાં આવી હતી તે આ ચર્ચાસ્પદ પ્રકરણને ત્રણ-ચાર મહિના થવા છતાં બહાર આવ્યું નથી તેને લઈ સનાતની સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ સમગ્ર ઘટના અંગે કેન્દ્રીય સમાજની ગત કારોબારી બેઠકમાં સંસ્કારધામના વડા દ્વારા જે પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે તેને લઈ અનેક ગંભીર પ્રશ્નો સપાટી પર ઉપસી રહ્યા છે. ગંગારામભાઈ રામાણીના પુત્રને અમદાવાદ ખાતે જે પ્રકારે સતપંથીઓ મળ્યા અને વાંઢાયમાં દર્શન માટેની વાત કરી અને ત્યારબાદ તે માટે ‘મંજૂરી’નું જે તરકટ રચવામાં આવ્યું તે સમગ્ર ઘટનાક્રમ અતિ ગંભીર છે અને જ્ઞાતિજનોને વિહ્વળ કરી મુકે તેવો છે.
આ કલંકિત ષડયંત્રની ઉંડી તપાસ જરૂરી...
ખુબ યોજનાપૂર્વક કેન્દ્રીય સમાજની સનાતની પ્રવૃત્તિમાં રોડાં નાખવા માટે ઈરાદાપૂર્વક કરવામાં આવેલ સમાજના ઈતિહાસનું આ સૌથી મોટું કાવતરું છે અને આ કપટપૂર્ણ યોજનામાં કોણ, કોણ સામેલ હતા તેની જાણ સમગ્ર સમાજને થવી જ જોઈએ, ખરેખર તો સમાજના હોદ્દેદાર ન હોય તેવા પ્રખર સનાતનીઓની એક તપાસ ટુકડી બનાવી આ કલંકિત ષડયંત્રની તલસ્પર્શી તપાસ થવી જોઈએ...
આ અતિ શરમજનક કાંડમાં અત્યાર સુધી જવાબદાર કોઈએ સમાજની માફી માગી નથી તે શોચનિય છે. ભારતભરમાં ઝોન સમાજો અને સ્થાનિક સમાજો દ્વારા કેન્દ્રીય સમાજના શ્વેતપત્ર અને વિશેષ ઠરાવોથી કરવામાં આવેલ આદેશોનો નિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો હોય ત્યારે સમાજના મોવડીઓ દ્વારા જ શ્વેતપત્રનું ધરાર ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે મોવડીમંડળનું આ પ્રકારનું વર્તન કોઈને ગળે ઉતરે તેવું નથી !
વાંઢાયના એ અગ્રણી સામે પગલાં કેમ નહીં?
પીરાણાના સાધુઓ જ્યારે વાંઢાયના મંદિરમાં દર્શન માટે આવ્યા ત્યારે તેમને આવકારવા માટે સંસ્થાના જવાબદાર આગેવાન ઉત્સાહભેર હાજર રહ્યા હોવા છતાં તેમના સામે અત્યાર સુધી કેમ પગલાં ભરવામાં આવ્યાં નથી? કેન્દ્રીય સમાજના માનનીય પ્રમુખ સહિતના ઘણા પદાધિકારીઓ આવા ‘દાગી’ સભ્યો સાથે ઉઠ-બેસ કરતા હોય છતાં કોઈનામાં જરા સરખો પણ અપરાધભાવ ન જાગે તે કેવું? સનાતની મુદ્દે ચાવવાના ને બતાવવાના દાંત જુદા છે તેવું નથી લાગતું?
સામાન્ય જ્ઞાતિજનને નોટિસ,મોટાને કંઈ જ નહીં!!
વાંઢાયની ઘટના બાદ સમગ્ર સમાજમાં સનાતની મુદ્દે જે પ્રકારની અસમંજસની સ્થિતિ સર્જાઈ રહી છે તે અતિ ગંભીર બાબત છે અને તેને હળવાશથી લેવાની ભૂલ કરવા જેવી નથી. ઘણી સ્થાનિક સમાજોમાં સનાતની મુદ્દે શ્વેતપત્રના ભંગ બદલ સભ્યોને નોટીસ કે પગલાં લેવાઈ રહ્યાં છે પણ સમાજની ટોચની નેતાગીરી જ જ્યાં આવા કલંકિત કાંડ કરતી હોય ત્યાં સ્થાનિક સમાજ માટે પણ આ મુદ્દે મોટી દુવિધા ઉભી થઈ રહી છે. સમાજ માટે આ સારા સંકેત નથી.