છેલ્લી તક : સતપંથમાંથી સનાતન સમાજમાં આવવા માટે ડેડલાઈન જાહેર...મે-૨૦૨૩ ના અધિવેશન સુધીમાં જેને આવવું હોય એ આવી જાય...ત્યાર બાદ સનાતન સમાજના દરવાજા બંધ!
મે-૨૦૨૩ માં યોજાનાર સમાજના પંચમ અધિવેશન બાદ સતપંથીઓ માટે સનાતન સમાજના દરવાજા કાયમ માટે બંધ કરવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્રીય સમાજે કરી છે.
કેન્દ્રીય સમાજનો કડક નિર્ણય...
નખત્રાણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે આજે મળેલી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની સામાન્ય સભામાં દેશભરમાંથી ઉમટી પડેલા સનાતનીઓની પ્રચંડ લાગણીને ધ્યાને લઇ કેન્દ્રીય સમાજનો આ કડક નિર્ણય આવી પડયો છે.
હાલમાં સતપંથમાંથી સનાતન સમાજમાં આવવાનો પ્રવાહ છૂટક-પૂટક ચાલુ છે. છેલ્લા ઘણા લાંબા સમયથી સમગ્ર સમાજ આ સાંપ્રદાયિક દોજખમાંથી પસાર થઈ રહયો છે, જેને લીધે સનાતની સમુદાય હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ ઈચ્છી રહ્યો છે. કેન્દ્રીય સમાજના આજના નિર્ણય બાદ સનાતનીઓ ગેલમાં આવી ગયા છે.
સનાતનીઓ હવે કાયમી છૂટકારો ઈચ્છે છે...
છેલ્લા થોડા મહિનામાં કચ્છમાં કાદિયા, રામપર સરવા, દેવપર યક્ષ અને કલ્યાણપર ગામના કેટલાક પરિવારો સતપંથમાંથી સનાતનમાં આવ્યા છે. હવે આ સાંપ્રદાયિક તનાવમાંથી કાયમી ધોરણે છૂટકારો મેળવવા મે-૨૦૨૩ ની ડેડલાઈન કેન્દ્રીય સમાજે જાહેર કરી દીધી છે.
આજે યોજાયેલી સામાન્ય સભામાં આગામી મે મહિનામાં સમાજનું પાંચમું અધિવેશન યોજવાનો નિર્ણય લેવાયો હતો અને આ અધિવેશન માત્ર સનાતનીઓ માટે જ યોજાઈ રહ્યું હોવાની જાહેરાત પણ સમાજ દ્વારા કરવામાં આવી છે. આગામી મહોત્સવના આયોજન માટે આયોજન સમિતિના ચેરમેન તરીકે સમાજના વર્તમાન ટ્રસ્ટી ગોપાલભાઈ ભાવાણીની વરણી પણ કરી દેવામાં આવી છે.