જીવતે જગતિયું : દયાપરના વાગડિયા પરિવારે જીવતે જીવ પોતાનું બારમું કર્યું... ગોદાવરીબેન અને ધીરજભાઈએ પોતાનો પુત્ર ન હોઈ, જાતે જ જીવિત મહોત્સવ ઉજવી નિયાણીઓને દાન-ભેટ આપ્યા...નાતને પણ સગરી જમાડી...
( સી.કે.પટેલ દ્વારા )
આપણે ત્યાં દરેક સમાજમાં મૃત્યુ પછી ચક્ષુદાન અને દેહદાન કર્યાના ઉદાહરણ આજકાલ સાંભળવા મળે છે પણ કોઈએ પોતાની હયાતીમાં ''જીવતે જગતિયું'' કે જીવિત મહોત્સવ કર્યાના કિસ્સા ખૂબ જૂજ સાંભળવા મળે છે પણ દયાપરના એક પાટીદાર દંપતિએ જીવતે જગતિયું કરી સમગ્ર પાંચાડામાં કુતૂહલ જગાવ્યું છે !
શાસ્ત્રોમાં પણ આ વિધિનો ઉલ્લેખ છે!
જીવિત મહોત્સવ માનવીની હયાતીમાં તેના અથવા તેના પરિવાર દ્વારા યોજવામાં આવે છે, જેમાં માનવી મૃત્યુ પામ્યો હોય અને જે વિધિ તેની હયાતી બાદ કરવામાં આવે તે તમામ વિધિ તેની હાજરીમાં સાક્ષાત કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આ વિધિનો ઉલ્લેખ છે જેને જીવિત મહોત્સવ તરીકે ઓળખાવેલ છે.
જીવિત મહોત્સવ ધામધૂમથી ઉજવાયો...
૧૫ ઓગસ્ટના દયાપર ખાતે પૂર્વ સરપંચ ગોદાવરીબેન વાગડિયા (ઉ.વ.૭૦) અને તેમના પતિ ધીરજભાઈ વાગડિયા (ઉ.વ.૭૪) એ તેમનો જીવિત મહોત્સવ પોતાના પરિવાર અને સમાજના સાથ-સહકારથી ધામધૂમથી ઉજવ્યો હતો. દયાપરના સત્યનારાયણ સમાજને સગરી નોતર્યા હતા અને પરિવારની નિયાણીઓને યથાશક્તિ ભેટ-દાન તેમજ બ્રાહ્મણોને દક્ષિણા અર્પણ કરી સમગ્ર પ્રસંગને એક મહોત્સવની જેમ રંગેચંગે ઉજવ્યો હતો.
સગા-સંબંધીઓએ ઉત્સાહથી ભાગ લીધો...
દયાપર સત્યનારાયણ સમાજના અન્નપૂર્ણા ભવન ખાતે યોજાયેલા આ નવતર જીવિત મહોત્સવમાં વાગડિયા દંપતિએ પોતાના હાથે જ પોતાનું બારમું, તેરમું, પૂજા-અર્ચના અને હવન કર્યા હતા. શાસ્ત્રી પ્રફુલ્લચંદ્ર ત્રિપાઠીએ આ તમામ ધાર્મિક વિધિ કરાવી હતી. આ વિસ્તારમાં આવો પ્રસંગ પ્રથમ વખત જ ઉજવાઇ રહ્યો હોઈ, લોકો કાર્યક્રમમાં ઉત્સાહથી ઉમટ્યા હતા.
જીવતે જગતિયું કરી એડવાન્સમાં પૂણ્ય કમાઈ લીધું...
ગોદાવરીબેન વાગડિયાને જયારે આ બાબતે પૂછ્યું તો તેમનો જવાબ આ હતો: મારા પરિવારમાં ચાર દીકરીઓ અને જમાઈ છે પણ દીકરા નથી...અમને ઘણા સમયથી એવો વિચાર આવતો હતો કે મારા અને મારા પતિના મૃત્યુ પછીની ધાર્મિક અને સામાજિક વિધિઓ કોઈ કરે કે ન કરે, અમારી હયાતીમાં જ આ બધી વિધિઓ કરી જઈએ તો અમારા જીવને ઉદર્વ ગતિ મળે, એટલે અમારી હયાતીમાં જ અમારી શક્તિ મુજબ નિયાણીઓને દાન-ભેટ કરી નાતને સગરી જમાડી પૂણ્યનું ભાથું એડવાન્સમાં જ બાંધી લીધું છે..
વાત જ્યાં શ્રધ્ધાની હોય ત્યાં...
આ બધી બાબતો પોતાની શ્રદ્ધા અને માન્યતા પર આધારિત છે... જ્યાં શ્રધ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી તેમ શંકાની પણ જરૂર નથી હોતી.. પોતાની હયાતીમાં, સ્વહસ્તે પોતાની બધી જ મૃત્યુ પછીની અંતિમ વિધિ કર્યા પછી મૃત્યુ બાદ કોઈ ધાર્મિક વિધિ કરવાની જરૂર રહેતી નથી...
માનવીના મૃત્યુ પછી જીવની ગતિ ક્યાં, કેવીરીતે, શું કામ થાય છે તે અણઉકેલ્યો પ્રશ્ન આજે પણ ગહન કોયડો છે ! પંડિતો, ધર્માત્માઓ અને શાસ્ત્ર વિવિધ રીતે તેને ઉકેલવા મથ્યા છે પણ સચોટ અને સાબિત થઇ શકે તેવું કોઈ તથ્ય આજ સુધી લાધ્યું નથી !
જીવના મોક્ષ માટે શાસ્ત્રોમાં અનેક નુસ્ખાઓ બતાવ્યા છે. આવી અલગ અલગ માન્યતાઓમાં શ્રધ્ધા ધરાવતા લોકો પોતાના પ્રિયજનના પરલોક ગમન પછી બીજે જ દિવસથી તેમના કુટુંબીજનો તેવી વિધિ કરાવતા હોય છે.તે પૈકીની એક વિધિ તે જીવિત મહોત્સવ છે જેને લોકભાષામાં ''જીવતે જગતિયું" પણ કહેવાય છે.