ફલોપ શૉ : રામપર(સરવા)માં ઉમિયા સમાજને લક્ષ્મીનારાયણ સમાજમાં ભળાવવાનું ભારે પડ્યું ! ૧૦૦ દિવસમાં જ પોત પ્રકાશતાં કેન્દ્રીય સમાજના ચુકાદાના પગલે પુનઃ મુખ્ય સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા...
રામપર (સરવા) ગામમાં સતપંથી વિચારધારાને વરેલા ભાઈઓ ગત અખાત્રીજના સનાતનના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ જતાં છેલ્લા ૩૫ વર્ષથી ચાલતા કેસ-કબાલાનો અંત આવી ગયાનું લાગતું હતું પણ આ ‘એકીકરણ’ તકલાદી નીવડતાં રામપર (સરવા) સમાજની સમસ્યા ‘જૈસે થે” જ રહી છે !
ત્રણ મહિનામાં જ ઉમિયા સમાજવાળા ફરી ગયા!
કેન્દ્રીય સમાજના મોવડીઓની ઉપસ્થિતિમાં અખાત્રીજના ‘ઉમિયા સમાજ’ના ભાઈઓએ મુખ્ય લક્ષ્મીનારાયણ સમાજમાં જોડાઈ વિલીનીકરણ કરેલ પણ રામપર સમાજ અને ગામલોકોની આશા ઠગારી નીવડી હતી અને ઉમિયા સમાજના ભાઈઓ કેન્દ્રીય સમાજના આદેશનું પાલન ન કરતાં પુનઃ તેઓને મુખ્ય સમાજમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.
...ને ઉમિયા માતાજીની પુનઃ પ્રતિષ્ઠા પણ રદ કરવી પડી!
રામપર (સરવા) ગામે ૧૨ થી ૧૫ ઓગસ્ટ સુધી યોજાયેલા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમિયા માતાજીનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજવાનો હતો પણ ઉમિયા સમાજવાળાની આડોડાઈને કારણે ઉમિયા માતાજીનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ન શકતાં ગામલોકો ઘૂંઘવાઈ ગયા હતા અને કેન્દ્રીય સમાજ સમક્ષ ઘાં નાખતાં સમાજે સલાહ આપેલ કે અત્યારે તમારો પ્રોગ્રામ ભરાઈ આવ્યો છે તો આ પ્રોગ્રામ સાથે મળી ઉજવો, પછી નોમના સાથે મળીને ચૂકાદો આપશું.
તા.૨૦-૮-૨૦૨૨ને શ્રાવણ વદ-૯ના ફરી રામપર સમાજના મોવડીઓ અને કેન્દ્રીય સમાજના આગેવાનો મથલમાં ભેગા થયા અને લાંબી ચર્ચા-વિચારણા બાદ કેન્દ્રીય સમાજે ફેંસલો આપ્યો કે, ઉમિયા સમાજના ભાઈઓ જ્યાં સુધી સંપૂર્ણ રીતે પોતાની જવાબદારીથી સામાજીક કે કાયદાકીય તમામ કાર્યોને ચોખ્ખા કરીને ન આવે ત્યાં સુધી અખાત્રીજ પહેલાં જેમ હતા તેમજ રહેવાનો ચુકાદો આપતાં રામપર ગ્રામજનોએ મહોત્સવ પછી ઉમિયા સમાજવાળાને બાકાત કરેલ છે.
આવા લોકો પર હવે કેટલો ભરોસો કરવો?
રામપરની ઘટનાએ સનાતની ભાઈઓને વિચારતા કરી મૂક્યા છે કે સતપંથમાંથી સનાતનમાં આવવા માંગતા ભાઈઓને કેટલી હદે આવકારવા? તેમના પર કેટલો ભરોસો કરવો? ઉમિયા સમાજવાળાએ કોની દોરવણીથી આવું પગલું ભર્યું તે બધા જાણે જ છે !
સંતાનોના સગપણ અને અન્ય સામાજીક તકલીફોને લઈ સતપંથી વિચારધારાવાળા ભાઈઓ મુખ્ય સનાતની પ્રવાહમાં આવી રહ્યાના કિસ્સાઓ હાલમાં ચમકી રહ્યા છે પણ આ ભાઈઓ ખરેખર દિલથી આવે છે કે કેમતે અંગે સનાતની આગેવાનોને પણ શંકા છે ! એટલે આવા એકીકરણના કાર્યક્રમોથી બહુ હરખાવવા જેવું નથી તેવું રામપરની ઘટનાએ સાબિત કરી દીધું છે.
સતપંથીઓને હવે લેવાની જરૂર શું છે?
કેન્દ્રીય સમાજની છેલ્લી સામાન્ય સભામાં પ્રખર સનાતની હિંમતભાઈ ખેતાણીએ તો એટલી હદે કહી દીધેલ કે, આ સતપંથીઓને લેવાની જરૂર શું છે? આપણી સનાતનીઓની સંખ્યા શું ઓછી છે?
જો કે, રામપરની મડાગાંઠ ઉકેલવા પ્રયાસ કરનાર કેન્દ્રીય સમાજ અને ન્યાય સમિતિના મોવડીઓને પણ હવે તો સારી પેઠે સમજાઈ જ ગયું હશે કે આ સમસ્યા ઉકેલવી સહેલી વાત તો નથી જ ! કાશ્મીર જેવી જ આ અઘરી સમસ્યા છે ! સરકાર ગમે તેની આવે, સમસ્યા ઠેરની ઠેર રહે છે !!