આસ્થાની અભિવ્યક્તિ : નખત્રાણા પાટીદાર વિદ્યાર્થી ભવનથી વાંઢાય સુધીની માતૃ મહિમા રથયાત્રાનું ભવ્ય આયોજન... ઉમિયા માતાજીના રથને આવકારવા ગામે ગામ જ્ઞાતિજનો ઉમટયા...
કડવા પાટીદારોની કુળદેવી જગત જનની મા ઉમિયાની આસ્થાને અભિવ્યક્ત કરવા તેમજ માતાજીનો મહિમા વધારવા માટે આજે સાતમા નોરતે નખત્રાણાથી વાંઢાય સુધીની માતૃ મહિમા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કચ્છ કડવા પાટીદાર સમાજના પશ્ચિમ કચ્છ ઝોન અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલ આ વિરાટ રથયાત્રામાં પશ્ચિમ કચ્છના પાટીદાર ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈ-બહેનો બાઈક અને કાર સાથે જોડાયા હતા.
ઉમિયા માતાજીની મહા આરતી યોજાઈ
પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે કળશધારી કુમારીકાઓએ ઉમિયા માતાજીના રથનું સ્વાગત અને પૂજન કર્યા બાદ પ્રસ્થાન થયેલ આ રથયાત્રા રસ્તામાં આવતા ગામોમાં પરિભ્રમણ કરતી સાંજના સંસ્કારધામ થઈ વાંઢાય ઉમિયા માતાજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.આ વિરાટ રથયાત્રાનું નખત્રાણા, નાગલપર,અંગિયા, ધાવડા,વિથોણ,દેવપર, સાંયરા, નવીમંજલ, માજીરાઈ, દેશલપર ગામે પાટીદાર સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.