ઓપરેશન અંગિયા : જયોતિષધામના મુખી બાપા સહિત કિસાન નેતા હંસરાજભાઈ કેશરાણી સનાતની છાવણીમાં આવી જતાં મોટી સફળતા...આગામી દિવસોમાં વધુ ભાઈઓ મુખ્ય પ્રવાહમાં આવી રહયા છે... કેન્દ્રીય સમાજની સનાતની મુવમેન્ટ રંગ લાવી રહી છે...
૨૦૧૦ ના સ્વર્ણિમ મહોત્સવ પછી સનાતન બાબતે સમાજમાં વધી રહેલી જાગૃતિનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. કેન્દ્રીય સમાજની સતત અપીલોને પગલે કચ્છના ઘણા ગામોમાં સતપંથી ભાઈઓ જૂના પીરાણા ધર્મને છોડી સમાજના મુખ્ય સનાતની પ્રવાહ એવા લક્ષ્મીનારાયણ સમાજમાં આવી રહ્યા છે.
સનાતની રથનો અંગિયામાં અડિંગો
ઘર વાપસીનો આ સિલસિલો નખત્રાણા તાલુકાના અંગિયામાં અવિરત ચાલુ છે. સનાતની રથે અહીં અડિંગો જમાવ્યો હોય તેમ સતપંથ સમાજના મહત્ત્વના મથક ગણાતા અંગિયા નાનામાંથી એક પછી એક પરિવારો લોભ-લાલચ અને મોહ-માયાને છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે.
જયોતિષધામના મુખી બાપાનું પણ આખરે રહ્દય પરિવર્તન...
અંગિયાના જ્યોતિષધામ મંદિરમાં ચાર-ચાર દાયકા સુધી સેવા-પૂજા કરનાર મુખી રતનશી કેશરા રૂડાણીએ સમય પારખીને લક્ષ્મીનારાયણ સંપ્રદાયમાં આવવા મન મનાવતા અંગિયા નાના લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા તેમને સહર્ષ આવકારવામાં આવ્યા છે. ખુદ મુખી બાપાના આ ક્રાંતિકારી પગલાને કારણે આજે અંગિયામાં નવી પેઢીના ઘણા સતપંથી યુવાનો પણ આ દિશામાં ગંભીર ચિંતન કરતા થઈ ગયા છે.
લાંબા સમયથી મનમાં તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું...
અંગિયાના જ હંસરાજભાઈ પ્રેમજી કેશરાણી પણ એક મોટું માથું ગણાય છે. ભારતીય કિસાન સંઘના કચ્છના પૂર્વ અધ્યક્ષ એવા હંસરાજભાઈ પણ ગયા અઠવાડિયે મુખ્ય પ્રવાહમાં આવી ગયા. પાટીદાર સૌરભ સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું : ઘણા લાંબા સમયથી આ દિશામાં મનમાં તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું કે સમાજમાં આટલી હદે વિખવાદ અને ડખા શા માટે? સ્વર્ણિમ મહોત્સવ પછીની ઘટનાઓથી વ્યથિત પણ હતો. અમારા મુખી બાપા પણ અમને કહેતા કે, છોકરાંઓ... પરિવર્તન એ સંસારનો નિયમછે, જેટલું મોડું કરશો નુકસાન સમાજને થશે... અમારા માનસને ફેરવવામાં આ મુખી બાપાનું મોટું યોગદાન છે...
નવલોહિયા યુવાનો ક્રાંતિ સર્જવા તૈયાર...
આજે તો મુખી બાપા પણ લક્ષ્મીનારાયણમાં આવી ગયા છે. એટલે અંગિયામાં જૂના ધર્મવાળામાંથી ઘણો મોટો સમુદાય એ દિશામાં વિચારવા મજબૂર થયો છે કે આપણે ક્યાં સુધી આ ઉલઝનમાં અટવાયા કરશું? ગામમાં ગૌરવથી માથું ઉંચું કરી નીકળવાનું મન હવે નવલોહિયા યુવાનોને થઈ રહ્યું છે અને મુખી બાપા તેમજ હંસરાજભાઈ કેશરાણીની ક્રાંતિકારી પહેલ બાદ આ પ્રક્રિયા ઝડપી બને તેવો ઉમદા માહોલ અંગિયામાં સર્જાયો છે.
સ્થાનિક સનાતની આગેવાનોની મહેનત રંગ લાવી રહી છે...
અંગિયાના છગનભાઈ પારસીયા (મોનેક્ષવાળા), ઘનશ્યામભાઈ પારસીયા, લક્ષ્મીનારાયણ સમાજના ધુરંધરો સૌ કોઈ આ માટે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક સમાજ લેવલે ગૂંચ પણ આવે છે પણ હેતુ અને ભાવના શુદ્ધ હોય ત્યાં સફળતા મળે જ છે. સમાજમાં પૂર્વ ઉપપ્રમુખ ડૉ શાંતિલાલ સેંઘાણીની ટીમ પણ અવારનવાર અંગિયાની મુલાકાત લઈ હોંશલો વધારી રહી છે.
કેન્દ્રીય સમાજે તો મે-૨૦૨૩ની ડેડલાઈન જાહેર કરી દીધી છે. જયંતિ લાકડાવાળા જેવા ઉપપ્રમુખ તો હોદ્દાની છોછ રાખ્યા વગર સતપંથીઓને બે હાથ જોડી વિનવી રહ્યા છે કે, મારા માઈ-બાપ... હવે પાટીદાર સમાજના વ્યાપક હિતમાં સતપંથને તિલાંજલી આપી સમાજના મુખ્ય પ્રવાહમાં આવી જાવ...સમાજ તમારી પાસે ખોળો પાથરે છે...
લાકડાવાળાનો દિલનો આ પોકાર સતપંથીઓને કેટલી હદે પીગળાવશે તે તો ખબર નથી પણ ચમત્કાર જરૂર થવાનો છે... સારા સમાચાર માટે તૈયાર રહેજો...