BLACK WEEK : દિવાળીના તહેવારના સપરમા દિવસોમાં જ અશુભ સમાચારોની વણઝાર શરૂ થઈ છે...સનાતની શતાબ્દી મહોત્સવની ઉજવણીના આયોજનની ધમાલ વચ્ચે ઘટેલી ઘટનાઓથી સમગ્ર સમાજ ચિંતિત અને વ્યગ્ર...
કર્મયોગી કાર્યશાળાના ભવ્ય આયોજન પછી નરોડા ફરી એક વખત ચર્ચામાં છે...! સતપંથ સમાજ આયોજિત ૫૪ કુંડી વિષ્ણુ મહાયજ્ઞની આમંત્રણ પત્રિકા કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ અને પ્રખર સનાતની જયંતિભાઈ લાકડાવાળાના નરોડા ખાતેના નિવાસસ્થાને જઈ તેમને રૂબરૂ આપવાના બહુચર્ચિત પ્રકરણની ચર્ચા હજુ સમી નથી ત્યાં નરોડાના જ ડો. ચંદાબેન ભાવાણીના બહાર આવેલા કલંકિત પ્રકરણે સમગ્ર સમાજમાં સનસનાટી મચાવી દીધી છે...
કોણ છે આ ચંદાબેન ભાવાણી?
મૂળ રસલિયાના હાલે નરોડા રહેતા ડો. વિઠ્ઠલભાઈ ભાવાણીના ધર્મપત્ની એટલે ડો. ચંદાબેન ભાવાણી... કચ્છ ખેડોઈના અને હાલમાં સાબરકાંઠાના વડાલીમાં વસવાટ કરતા પાકકા સતપંથી પરિવારની એ દીકરી... વિઠ્ઠલભાઈનું પરિવાર પાક્કું સનાતની એટલે ડો. ચંદાબેન આટલી હદે જશે તેવી કોઈ કલ્પના પણ ન કરી શકે...પણ સતપંથ સમાજના ૫૪ કુંડી વિષ્ણુ મહાયજ્ઞના કાર્યક્રમમાં હાજર રહી તેમણે જે વક્તવ્ય આપ્યું છે તે સાંભળ્યા પછી તેઓ પાક્કા સતપંથી છે તે જાહેર થઈ ગયું છે...
સમાજે તમને ઘણું બધું આપ્યું છતાં...
ડો. વિઠ્ઠલભાઈ આપણા સમાજના મુખપત્ર સનાતન ધર્મ પત્રિકાના કન્વીનર છે અને ખૂબ જ નિષ્ઠાથી કાર્ય કરી રહયા છે. તેમના ધર્મપત્ની ડો. ચંદાબેન પણ ખૂબ હોંશિયાર અને સ્માર્ટ છે. એટલે જ નરોડા સમાજની કે અમદાવાદ ઝોન સમાજની દરેક પ્રવૃત્તિમાં તેમને મહત્વપૂર્ણ જવાબદારી પણ અપાય છે. સમાજે તેમને ખૂબ માનપાન અને આદર આપ્યો છે છતાં જે રીતે તેઓ રાતોરાત પાટલી બદલી સામી છાવણીમાં ચાલ્યા ગયાં તે વાત સાંભળી સૌ કોઈ અચંબિત છે અને આઘાતમાં છે...
શિકારી ખુદ યહાં શિકાર હો ગયા...!
જયંતિભાઈ લાકડાવાળાનું પ્રકરણ છેલ્લા પાંચ-છ દિવસથી ગાજી રહ્યું છે અને સ્વભાવિક છે કે આવા ભયંકર ખબર સાંભળીને કોઈ પણ સનાતનીને ચેન ન પડે અને સવાલોનો મારો ચાલુ થઈ જાય...સવાલ કરનારા એમની રીતે સાચા પણ છે...આ રીતે ઘરમાં આવી કોઈ પરાણે આમંત્રણ પત્રિકા આપી જાય, એટલું જ નહીં તેનું ફોટો સેશન થાય એ વાત પ્રથમ દષ્ટિએ કોઈને પણ ગળે ન ઉતરે તે સ્વાભાવિક છે...
લાકડાવાળાની સનાતની નિષ્ઠા અંગે કોઈ શંકા નથી...
જયંતિભાઈએ તેમનો ખુલાસો આપી દીધો છે છતાં લોકો ફરીફરીને એ સવાલ ઉઠાવી રહયા છે કે આવું બની જ કેમ શકે? જ્યાં સુધી સનાતની નિષ્ઠાનો પ્રશ્ન છે, આપણા સમાજમાં વર્તમાન હોદ્દેદારોમાં સતપંથી સામે લડવાની હિંમત, જુસ્સો કે અભિગમ લાકડાવાળામાં છે તેટલો એક પણ પદાધિકારીમાં નથી એ તો સ્વીકારવું જ પડે...
છતાં જે ચિત્ર બહાર આવ્યું છે તે જોતાં કોઈ ધમકી કે એવા કોઈ પરિબળો કામ કરી ગયા હોય અને આવું કરવા તેઓ મજબૂર બન્યા હોય તેવી સંભાવનાઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી... લાકડાવાળાની બોડી લેન્ગવેજ પણ આવું જ કંઈક કહી રહી છે...
સનાતનીઓ લાકડાવાળાની પડખે ઊભા છે...
લાકડાવાળાએ આમંત્રણ પત્રિકા સ્વીકારી છે પણ ચંદાબેનની જેમ કાર્યક્રમમાં ગયા નથી... વળી સોશ્યલ મીડિયામાં ખુલાસો પણ કર્યો છે... સાચું કારણ તો તેમના અપહરણ કાંડની જેમ ક્યારેય બહાર નહીં આવે ! કારણ એ માત્ર ને માત્ર જયંતિભાઈ જ જાણે છે ! લાકડાવાળાનો અતિ આત્મવિશ્વાસ પણ આ વખતે નડી ગયો હોય એવું બની શકે છે...
લાકડાવાળાની સનાતની નિષ્ઠા સામે સમાજમાં કોઈને લેશમાત્ર પણ શંકા નથી એટલે જ રમેશભાઈ વાગડિયા સહિતના કેટલાક સનાતની મિત્રોએ તેમણે આપેલો ખુલાસો માન્ય કરવા અને આ બાબતે કોઈ શંકાકુશંકા ન રાખવા જ્ઞાતિજનોને અપીલ કરી એક ઉમદા પગલું ભર્યું છે. કોઈ પણ સનાતની કાર્યકરના સમર્થનમાં આવવું જ પડે...
પણ મોવડી મંડળનું સૂચક મૌન અકળાવે તેવું છે...
...પણ જયંતિભાઈ લાકડાવાળા કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ હોવા છતાં સમાજના કોઈ મોટા ગજાના પદાધિકારીનું આ પ્રકરણે કોઈ જ નિવેદન આવ્યું નથી તે શું સૂચવે છે? શું લાકડાવાળાને તેમના નસીબ પર છોડી દેવામાં આવ્યા છે? ( લાકડાવાળાએ સતપંથ અંગે એક યૂટ્યુબ ચેનલને આપેલી મુલાકાતથી મોવડી મંડળ નારાજ હોવાનું માનવામાં આવે છે )
આગામી સનાતની શતાબ્દી મહોત્સવ સુધી હજુ પણ આવું ઘણું બધું જોવા મળી શકે છે ! એવી ઘટનાઓ બની રહી છે કે, સાલ્લું કોના પર ભરોસો કરવો એજ ખબર પડતી નથી...
ગૌરાંગભાઈ, બધું ટનાટન ચાલી રહ્યું હતું ને અચાનક આ બધું કેમ થઈ ગયું?!
જ્ઞાતિજનોએ, ખાસ કરીને પ્રમુખ કાર્યકર્તાઓએ સાવધાન રહેવું જરૂરી છે... ગમે ત્યાં... ગમે ત્યારે... ગમે તેવો કાંડ બની શકે છે... માટે જાગતા રહેજો....