તાકિયા કે બીજું કંઈ ? : સનાતની શતાબ્દી મહોત્સવના ચેરમેન ગોપાલભાઈ ભાવાણીની ઓડિયો ક્લિપ બહાર આવતાં ખળભળાટ... મોવડીઓ સતપંથીઓ સાથે આવી મોળી મોળી વાતો કરી સનાતનીઓનું મનોબળ ભાંગી રહ્યા છે...
કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ જયંતિભાઈ લાકડાવાળા અને ડો.ચંદાબેન ભાવાણીના પ્રકરણની આગ હજુ ઠરી નથી ત્યાં કેન્દ્રીય સમાજના વરિષ્ઠ ટ્રસ્ટી અને આગામી સનાતની શતાબ્દી મહોત્સવના ચેરમેન ગોપાલભાઈ ભાવાણીની જીભ લપસતાં સનાતની સમુદાયમાં રોષ સાથે નારાજગી ફેલાઈ છે.
સમાજની સનાતની નીતિ સાથે સુસંગત નથી
ગોપાલભાઈ ભાવાણીની સતપંથી અગ્રણી શાંતિલાલ સાથેની વાતચીતની બે ઓડિયો ક્લિપ ફરતી થઈ છે જે સાંભળી સમગ્ર સનાતની સમાજમાં ભારે હતાશાની લાગણી ફેલાઈ ગઈ છે. કેન્દ્રીય સમાજના આટલા મોટા ગજાના નેતા કઈ તાકાત કે દબાણ સામે આ રીતે સાવ પાણીમાં બેસી ગયા તે બાબત સમગ્ર સમાજ માટે ચિંતા જગાવે તેવું છે.
ગોપાલભાઈ ભાવાણી આ વાર્તાલાપમાં જે કંઈ ઉદગારો કાઢે છે તે કેન્દ્રીય સમાજની સનાતન નીતિ સાથે સુસંગત નથી અને એક સાચા સનાતનીને છાજે તેવા પણ નથી..
સનાતની જુસ્સો અને ખુમારી ગાયબ છે...
આ સતપંથી સાથેની વાતચીતમાં એક પણ પળ એવી નથી જેમાં ગોપાલભાઈએ સનાતની હૂંકાર કર્યો હોય...સમાજની મિટિંગોમાં કે સામાજિક સભાઓમાં સનાતન મુદ્દે છટાદાર અને જુસ્સાદાર પ્રવચન દ્વારા જ્ઞાતિજનોમાં જોશ ભરતા પ્રખર વક્તા એવા ગોપાલભાઈ ભાવાણી સતપંથી સાથેની વાતચીતમાં કેમ ગોથાં ખાઈ ગયા અને આ પ્રકારની મોળી વાતો કેમ કરી તે સમજાતું નથી...
મરદનો બચ્ચો રતનશીભાઈ દિવાણી
બીજી તરફ આ જ સતપંથી અગ્રણી શાંતિલાલની મુંબઈના પ્રખર સનાતની રતનશીભાઈ દિવાણી સાથેની વાતચીતનો ઓડિયો પણ આ સાથે રજૂ છે જે સાંભળવાથી દરેક સનાતનીને ગૌરવ થાય તેવી વટવાળી વાતો રતનશીભાઈએ જરાયે ગભરાયા વગર કરી છે... તમારામાં સનાતની જુસ્સો હોય તો તે આવા સમયે બહાર આવી જ જાય છે.સતપંથી અગ્રણી સાથેની વાતચીતની ઉપરોક્ત ત્રણેય ઓડિયો ક્લિપની લિન્ક અહીં આપી છે, જે સાંભળવાથી જ્ઞાતિજનોને સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
રમેશભાઈ વાગડિયાની તીવ્ર પ્રતિક્રિયા...
બહાર આવેલી આ ઓડિયો ક્લિપ બાદ સ્વાભાવિક જ સમગ્ર સનાતનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રખર સનાતની બેંગલોરવાળા રમેશભાઈ માવજીભાઈ વાગડીયાએ આ ઘટના અંગે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ
આપણા વરિષ્ઠ ટ્રસ્ટીને આપણે સનાતની શતાબ્દી મહોત્સવના વડા બનાવ્યા છે તો તેમણે સતપંથી જોડે દબાઈને શા માટે વાર્તાલાપ કરવો જોઈએ? તેમણે તો ખુમારીથી કહેવું જોઈએ કે સતપંથમાં માનતા ભાઈઓ આપણી સનાતની જ્ઞાતિથી અલગ છે. જો તમે (સતપંથીઓ) અમારાથી જુદા નથી તો
(૧) શા માટે તમે ૫૦૦ વરસ જૂની સતપંથ સમાજને તાળા નથી મારતા?
(૨) શામાટે તમે ઇમામશાહ બાવાને મૂકતા નથી?
(૩) શા માટે તમે પીરાણામાં કબરને પૂજવાનું છોડતા નથી?
(૪) શામાટે તમે કચ્છ કડવા પાટીદારની સનાતની જ્ઞાતિના સનાતન હિન્દુ પ્રવાહમાં ભળી જતા નથી?
તમોને રહેવું છે અમારી સાથે પણ સતપંથ અને ઇમામશાહ બાવાને છોડવો નથી.
અમારા સુધારક વડીલોએ સંપૂર્ણ પણે સતપંથને છોડીને તમારાથી નોખા થઈને સનાતની કેન્દ્રીય સમાજ બનાવી હતી તે ફક્ત અને ફક્ત સતપંથને મૂકીને સનાતની હિન્દુ બનેલા સનાતની ભાઈઓની છે તેમાં બે મત નથી.
સતપંથીઓને જ્ઞાતિની જો આટલી બધી ચિંતા હોય તો ભળી જાય ને ૯૦ % સનાતન હિન્દુ ધર્મ પાળતા સનાતની ભાઈઓના સનાતની પ્રવાહમાં...
મોવડી મંડળ ગભરાય નહીં...ચાર લાખ સનાતનીઓ તમારી સાથે છે...
હવે સનાતની વડાઓ (કેન્દ્રીય સમાજના મોવડીઓ)ને કોઈ પણ બાબતે ગભરાવવાની જરૂર નથી. તમે લોકો અમારા વડા છો. તમારી પાછળ અમે ચાર લાખ સનાતનીઓ છીએ... તમોને અમારો સંપૂર્ણ ટેકો છે. એટલા માટે તમે એવું કોઈ મોળું કામ નહીં કરતા કે સનાતની ભાઈઓનું મનોબળ ભાંગી પડે. એવું જો થશે તો તેના ગુન્હેગાર તમે ઠરશો તે વાત ચોક્કસ છે.
પ્રજાનું મનોબળ સંપૂર્ણપણે રાજાના હિર ઉપર મદાર રાખે છે તે વાત મોવડીઓએ યાદ રાખવું જોઈએ...