૮૫ વર્ષે અડિખમ : નખત્રાણાના ૮૫ વર્ષિય હિરાલાલ હંસરાજ ધનાણી યુવાનોને શરમાવે તેવા જુસ્સાથી કામ કરી રહ્યા છે...૧૯૬૦ માં સમાજના પ્રથમ અધિવેશનમાં કાર્ય કરનાર મે-૨૦૨૩ માં યોજાનાર સનાતની શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા તૈયાર !
( સી.કે.પટેલ દ્વારા )
સમાજમાં કોઈ પણ કાર્ય કરવા માટે લગની અને ધગશ હોય તો ઉંમર એ ગૌણ બાબત છે. નખત્રાણાના ૮૫ વર્ષિય હિરાલાલ હંસરાજ ધનાણી આનો જીવતો જાગતો દાખલો છે ! યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને જુસ્સાથી તેઓ આજે પણ સમાજ સેવા કરી રહ્યા છે...
૧૯૬૦માં નખત્રાણા ખાતે યોજાયેલા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ અધિવેશન અને વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન મહોત્સવમાં લાઈટ-ડેકોરેશન સમિતિના કન્વીનર તરીકે સેવા આપનાર હિરાલાલ ધનાણીનું નામ આગામી મે-૨૦૨૩માં યોજાનાર સનાતની શતાબ્દી મહોત્સવની કાર્યાલય સમિતિમાં સભ્ય તરીકે જોવા મળે એ માત્ર આશ્ચર્યજનક જ નહીં, જ્ઞાતિના યુવાનો માટે પ્રેરણારૂપ પણ છે.
ટાંચા સાધનો છતાં વિધાર્થી ભવનને ઝળહળતું કરી દીધું...
૧૯૬૦માં ટાંચા સાધનો હોવા છતાં નખત્રાણાના હિરાલાલ હંસરાજ ધનાણીના કન્વીનરપદવાળી લાઈટ-ડેકોરેશન સમિતિએ પોતાની આગવી સૂઝબૂઝથી સમગ્ર વિદ્યાથી ભવન સંકુલને વીજળીથી ઝળહળતું કરી દીધું હતું. આ ભગીરથ કાર્યમાં નખત્રાણાના જ અર્જુનદેવ ગોપાલજી પોકાર અને વિરાણી મોટીના જયંતિલાલ નારાયણ પટેલ (ઘાટકોપર) પણ સહભાગી રહ્યા હતા.
૮૫ વર્ષની ઉંમરે પણ જુસ્સો બુલંદ છે !
૨૨ વર્ષની ઉંમરે ૧૯૬૦ના અધિવેશનમાં કાર્ય કરનારા હિરાલાલ ધનાણીનો જુસ્સો આજે ૮૫ વર્ષની ઉંમરે પણ બુલંદ છે. સમાજના કાર્ય કરવાનું તેમના લોહીમાં વણાઈ ગયું છે. ૧૯૭૭માં યોજાયેલા યુવક સંઘના પ્રથમઅધિવેશનમાં ખીમજી લખમશી લીંબાણીના પ્રમુખપણા હેઠળની કારોબારીમાં સભ્ય તરીકે અને તદર્થ સમિતિમાં મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા હિરાલાલ ધનાણી નખત્રાણા ઝોન સમાજના ૨૦૦૬ થી ૨૦૧૯ સુધી મહામંત્રી તરીકે રહ્યા હતા !
૧૧ જૂન, ૧૯૩૮માં જન્મેલા હિરાલાલ ધનાણીની કહાણી પણ ખૂબ જ રોચક છે. નખત્રાણાની સરકારી કુમારશાળા અને ધનસુરા તરફ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ નાગપુર ગયા અને ત્યાં અભ્યાસ ઉપરાંત ઈલેક્ટ્રીકનું કામ શીખ્યા અને વાયરમેનની પરીક્ષા આપી પાસ થયા. આઠેક વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન થઈ ગયેલા ! તે વખતે ૧૨ વર્ષે લગ્ન થતા એટલે કોટડા (જ) ના સમૂહલગ્નમાં પરણેલા !
સાઈકલથી લાઈટનું કામ કરવા કાદિયા-ટોડીયા સુધી જતા !
૧૯૬૦માં નાગપુરથી કચ્છમાં આવ્યા અને નખત્રાણામાં જ ઈલેક્ટ્રીકનું કામ શરૂ કર્યું. તે વખતે હજુ વીજળી બધા ગામોમાં પહોંચી નહોતી અને ઈલેક્ટ્રીકનું કામ કરનારા કે જ્ઞાનવાળા પણ જૂજ હતા. તે વખતના દિવસો યાદ કરતાં ધનાણી કહે છે : “સાઈકલથી અમે કાદિયા-ટોડીયા સુધી લાઈટનું કામકરવા જતા !”
ત્યાર બાદ નખત્રાણામાં ‘હિરાલાલ એચ. પટેલ એન્ડ કંપની ’ ના નામે ઈલેક્ટ્રીકની દુકાન શરૂ કરી જે સમગ્ર પાંચાડામાં જાણીતી હતી. વચ્ચેના સમયગાળામાં નખત્રાણાના જ સોમજીભાઈ ધનાણી (ડી.એસ.પટેલ કંપનીવાળા), પ્રેમજીભાઈ લીંબાણી (ગીતા સ્ટોરવાળા) તેમજ અરજણભાઈ લીંબાણી (ગાયત્રી મેડીકલવાળા) સાથે મળી ‘પટેલ એન્ડ કંપની ’ના નામે પણ ધંધાકિય સાહસ કરેલું.
૮૨ વર્ષની ઉંમરે ૨૦૧૯ સુધી નખત્રાણા ઝોનના મહામંત્રી પદે રહયા...
મધ્ય વિભાગ સત્યનારાયણ સમાજમાં પણ તેમણે લાંબી સેવા આપી છે. ઉંમર મોટી થતાં હવે શારીરિક રીતે થોડા થાક્યા છે પણ સામજિક પ્રવૃત્તિઓમાં તેમનો જુસ્સો આજે પણ બુલંદ છે. તેમનું કામ એકદમ પરફેક્ટ હોય ! વિચાર તો કરો, નખત્રાણા ઝોનના મહામંત્રી તરીકે ૨૦૧૯ સુધી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર ૮૨ વર્ષની હતી ! સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત રહેવાની કળા તેમની પાસેથી શીખવા જેવી છે.
કેન્દ્રીય સમાજના આમંત્રિત કારોબારી સભ્ય તરીકે થયેલ તેમની પસંદગી પણ તેમનું મહત્ત્વ દર્શાવે છે. છેલ્લા સાત દાયકાનો વિશાળ સામાજિક અનુભવ ધરાવતા હિરાલાલ ધનાણીએ સમાજના ટોચના અનેક આગેવાનો સાથે કામ કર્યું છે. સમાજના કાર્યકરોમાં સમયાંતરે કાર્ય કરવાની પદ્ધતિમાં આવી રહેલા બદલાવથી તેઓ થોડા ખીન્ન પણ છે. અગાઉ સમાજ હોય કે સંસ્થા, બધું સહમતિથી કાર્ય થતું... સમાજનું ભલું કેમ થાય તે જ બધા વિચારતા. આજે ‘મારી વાત કેમરહેતી નથી?’... આ ભાવ વધારે જોવા મળી રહ્યો છે...