Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સતોડીયું : નખત્રાણામાં આપણી વિસરાયેલી દેશી રમત સતોડીયું જીવિત થઈ!!... મહિલા સંઘની રજતજયંતિએ પશ્ચિમ કચ્છ ઝોન મહિલા સમાજનું નવતર આયોજન... ભારતભરમાંથી ૨૦ ટીમો ભાગ લઈ રહી છે...665665 Views

સતોડીયું : નખત્રાણામાં આપણી વિસરાયેલી દેશી રમત સતોડીયું જીવિત થઈ!!... મહિલા સંઘની રજતજયંતિએ પશ્ચિમ કચ્છ ઝોન મહિલા સમાજનું નવતર આયોજન... ભારતભરમાંથી ૨૦ ટીમો ભાગ લઈ રહી છે...

( સી.કે.પટેલ દ્વારા )

 શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘના રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે પશ્ચિમ કચ્છ ઝોન મહિલા સમાજ દ્વારા પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે આજથી બે દિવસના ‘સતોડીયો’ ખેલ મહોત્સવનો ખેલાડીઓ અને જ્ઞાતિજનોના અદમ્ય ઉત્સાહ સાથે ભવ્ય શુભારંભ થયો હતો.

૨૦ સતોડીયું ટીમની રંગારંગ પરેડ...

ભારતભરમાંથી આવેલ ૨૦ સતોડીયા મહિલા ટીમની રંગારંગ પરેડ બાદ કેન્દ્રીય મહિલા સંઘના હોદ્દેદારો અને સમાજના મહાનુભાવોએ તાળીઓના ગડગડાટ સાથે આ ખેલ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ સ્પર્ધામાં મુંબઈ અને ઈન્દોરની બબ્બે ટીમો, ગોવા, જલગાંવ, સાબરકાંઠા અને કચ્છની કુલ ૨૦ ટીમો ભાગ લઈ રહી છે.

નાનપણમાં સતોડીયું તો ઘણા બધા રમ્યા હશે ! સાત નાનાં ઠીકરાં એક પર એક મુકીને પછી બે ટીમપાડીને દડાથી સતોડીયું તોડવાની આ વિસરાતી જતી રમતને પુનર્જિવિત કરવાનો એક સુંદર પ્રયાસ મહિલા સંઘની ટીમે કર્યો છે અને તેને સુંદર પ્રતિસાદ પણ સાંપડ્યો છે.

સરકાર પણ દેશી રમતોને પુનર્જીવિત કરી રહી છે...

કોમ્પ્યુટર અને મોબાઈલના આજના આધુનિક યુગમાં દેશી રમતો વિસરાઈ રહી છે. સતોડીયું, ગિલ્લી દંડા જેવી આપણી દેશી રમતો તો લગભગ લુપ્ત થઈ ગઈ છે. પરંતુ હવે દેશની મોદી સરકાર દ્વારા એક સમયે આપણી ઓળખ રહેલી આવી દેશી રમતોને પુનર્જિવિત કરી આજના યુવાન યુવતીઓને તે રમતો તરફ દોરવા માટે સક્રિય પ્રયાસો  હાથ ધરાયા છે.

વડાપ્રધાને પણ 'મન કી બાત માં' સતોડીયું રમતનો ઉલ્લેખ કરેલો...

સતોડીયાની આ રમતનો ઉલ્લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય અગાઉ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કરવામાં આવ્યો હતો, જે બાદ આ રમત માટે રચવામાં આવેલ રાષ્ટ્રીય કક્ષાના ફેડરેશન દ્વારા આ રમત સાથે વધુમાં વધુ યુવાનોને જોડવા માટે પ્રયાસો કરી આ રમતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ગયા મહિને જ વડોદરામાં યોજાઈ હતી સતોડીયુંની રાષ્ટ્રીય સ્પર્ધા...

ગયા મહિને જ ગુજરાતના વડોદરા શહેરમાં પિટ્ટુ એટલે કે ‘સતોડીયું’ની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦ રાજ્યોની ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. આવા આયોજન થકી સરકારનો લક્ષ્યાંક ભારતની દેશી રમતોને ઓલિમ્પિક જેવા વૈશ્વિક સમયમાં આઈપીએલની જેમપીપીએલ જેવી મોટી લીગ યોજવાનું પણ વિચારી રહ્યું હોવાનું પીટ્ટુ ફેડરેશન ઓફ ગુજરાતના પ્રમુખ ગોપી તલાટીએ વડોદરામાં જણાવ્યું હતું.

પાટીદાર વિદ્યાર્થી ભવનમાં સતોડીયુંની રમત જોઈ ઘણા પોતાના બાળપણમાં ખોવાઈ ગયા...

પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ‘સતોડીયું’ રમત જોવા માટે ખુબ મોટી સંખ્યામાં જ્ઞાતિની મહિલાઓ અને સભ્યો ઉમટી પડ્યા હતા. ‘સતોડીયું’ જોઈને ઘણા લોકોને પોતે બાળપણમાં રમેલી આવી રમતો યાદ આવી ગઈ હતી અને તેના સંસ્મરણો વાગોળ્યા હતા ! આજના વિડીયોગેમપ્રેમી બાળકોમાં ગીલ્લી દંડા, ભમરડા, ઉભી ખો, લંગડી જેવી રમતો પણ સાવ વિલુપ્ત થયેલી જોવા મળે છે તેને પુનઃ જાગૃત કરવાની જરૂર છે.

મહાનુભાવોએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો... 

કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખ જશોદાબેન નાકરાણી, મહામંત્રી રમીલાબેન રવાણી, મંત્રી અનુરાધાબેન સેંઘાણી, ઉર્મિલાબેન ડાયાણી, ઉપપ્રમુખ ગંગાબેન રામાણી, કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ પરસોતમભાઈ ભગત, રાજેશભાઈ દિવાણી, મંત્રી વિનોદભાઈ ભગત, પ્રવિણભાઈ ધનાણી, પશ્ચિમકચ્છ ઝોનના પ્રમુખ રતનશીભાઈ ભીમાણી ઉપરાંત સમાજના ભૂતપૂર્વ ઉપપ્રમુખ ડા.શાંતિલાલ સેંઘાણી, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મંત્રી બાબુભાઈ ચોપડા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા સહિતના મહાનુભાવો ઉદ્‌ઘાટન મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટેજ કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ નાકરાણી અને નયનાબેન પોકારે કર્યું હતું. રમત મહોત્સવને સફળ બનાવવા મહિલા સંઘ ઝોન સમાજના કાર્યકરો સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106