સનાતની સન્માન : કચ્છ કડવા પાટીદાર સમાજના એક માત્ર ધારાસભ્ય ભુજ બેઠક પરથી ચૂંટાયેલા કેશુભાઈ પટેલનું સમાજ દ્વારા ભવ્ય સન્માન...૭૪ ગામના પાટીદારોએ સમાજની માતૃ સંસ્થા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કેશુભાઈનું કર્યું ઐતિહાસિક સન્માન...
તસ્વીરો : કિશોર પટેલ ( સરગમ સ્ટુડિયો )
ભુજના નવનિર્વાચીત ધારાસભ્ય અને કચ્છ ભાજપના લોકપ્રિય નેતા કેશુભાઈ પટેલનું અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પશ્ચિમ કચ્છ ઝોન દ્વારા પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ કડવા પાટીદાર સમાજના ઈતિહાસમાં કોઈ પણ ચુંટાયેલા રાજકિય મહાનુભાવનું આવું ભવ્ય સન્માન થયું હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના હતી.
કેન્દ્રીય પ્રમુખ અબજીભાઈની પ્રેરક ઉપસ્થિતિ
કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણીના વડપણ હેઠળ સમાજના અગ્રણીઓએ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતિથી વિજયી થયેલા ભુજના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસભાઈ વાસાણીનું કચ્છી પાઘડી પહેરાવીને શાલ ઓઢાડી સન્માન કર્યું ત્યારે સમગ્ર કચ્છમાંથી ઉમટી પડેલ જ્ઞાતિજનો અને કેશુબાપાના ચાહકોની તાળીઓના ગડગડાટથી સમગ્ર પાટીદાર વિદ્યાર્થી ભવન સંકુલ ગુંજી ઉઠ્યું હતું.
જ્ઞાતિ સુધારક પૂ. નારાયણ રામજીની પ્રતિમાની જ્યારે કેશુભાઈએ ભાવવંદના કરી...
તે અગાઉ પાટીદાર વિદ્યાર્થીભવન ખાતે કેશુભાઈ પટેલ આવી પહોંચતા જ તેમનું ઢોલ અને શરણાઈથી ગોતીડાધારી કુમારીકાઓ દ્વારા ભવ્ય સ્વાગત થયું હતું. સભા મંચ પર પહોંચતા અગાઉ કેશુભાઈ પટેલ અને સમાજના મહાનુભાવો સંકુલમાં આવેલ જ્ઞાતિ સુધારક નારાયણજી રામજી લીંબાણીની પ્રતિમા સમક્ષ ગયા હતા અને ભાવવંદના કરી હતી.
૭૪ ગામના પાટીદારોએ કર્યું સન્માન
પશ્ચિમકચ્છ ઝોન સમાજમાં આવતા છેવાડાના સરહદી સિયોત સહિત ૭૪ ગામની સમાજ, યુવક અને મહિલા મંડળ દ્વારા તેમના લાડીલા નેતા કેશુભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પણ સન્માન કરાયું હતું. સન્માન માટે નામ નોંધાવવા માટે લોકોએ રીતસર કાઉન્ટર પર ધસારો કર્યો હતો.
પાંચ ડિગ્રી ઠંડીમાં પણ લોકો ઉત્સાહભેર ઉમટ્યા...
પાંચ ડિગ્રી જેટલી કડકડતી ઠંડીમાં પાટીદાર વિદ્યાર્થી ભવનના ખુલ્લા પ્રાંગણમાં આ સન્માન કાર્યક્રમ યોજાયો હોવા છતાં જ્ઞાતિના લોકો ઉત્સાહથી આ સમારોહમાં જોડાયા હતા. મહિલાઓની હાજરી પણ નોંધપાત્ર હતી. ખાસ કરીને કોટડા (જ), વિરાણી મોટી, અંગિયા, ધાવડા, નખત્રાણા ગામના સભ્યોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
કોઈ પણ સમાજને હવે રાજકારણ વગર નહીં ચાલે...
સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં કેશુભાઈએ લાગણીસભર થઈ જણાવ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે કે સમાજ અને રાજકારણ બંનેને સાથે લઈને ચાલવું પડશે. રાજનીતિની હવે ડગલે ને પગલે જરૂર પડશે. જ્ઞાતિના કાર્યદક્ષ યુવાનોને રાજકારણમાં જવા સમાજ પ્રોત્સાહિત કરે અને અહીંથી ઘડાઈ ગયેલો રાજનીતિમાં જઈ અવશ્ય સમાજનું નામ પણ ઉજાળશે અને સમગ્ર સમાજને સુંદર પરિણામ મળશે. આ તબક્કે તેમણે સમાજના કોઈ પણ કાર્ય માટે સદાય તત્પર રહેવાની ખાતરી આપી હતી. તેમણે જ્ઞાતિના તરવરીયા યુવાનોને રાજનીતિમાં જોડાવવા આહ્વાન કર્યું હતું.
કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા?
કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ રાજેશભાઈ દિવાણી, સંસ્કારધામના વડા ગંગારામભાઈ રામાણી, ડો.પ્રેમજીભાઈ ગોગારી, ઉમિયા માતાજી વાંઢાયના મંત્રી બાબુભાઈ ચોપડા, કેન્દ્રીય મહિલા સંઘના ગંગાબેન રામાણી અને અનુરાધાબેન સેંઘાણી ઉપરાંત પશ્ચિમકચ્છ ઝોનના ત્રણે પાંખના પદાધિકારીઓ મોટી સંખ્યામાં આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
નખત્રાણાના નાયબ કલેક્ટર ડો.મેહુલ બરાસરા, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર ઠુમ્મર, પીએસઆઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણી, જિ.પં.શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા, જિ.પં.સભ્ય નયનાબેન પટેલ સહિતના મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ઝોન મહામંત્રી છગનભાઈ ધનાણીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આણંદસર (વિ)ના પ્રખર ભાજપી અગ્રણી લધુભાઈ લીંબાણીએ તેમની તળપદી શૈલીમાં કેશુબાપાનો વિગતે પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ નાકરાણીએ કર્યું હતું.