Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સંતોના સાન્નિધ્યમાં : વસંતપંચમીના ભુજ મધ્યે ઉજવાયો સત્સંગ સમાજનો ૪૨ મો સમૂહલગ્નોત્સવ...કડવા તથા લેવા પાટીદાર સંયુક્ત રીતે જોડાયા...714714 Views

સંતોના સાન્નિધ્યમાં : વસંતપંચમીના ભુજ મધ્યે ઉજવાયો સત્સંગ સમાજનો ૪૨ મો સમૂહલગ્નોત્સવ...કડવા તથા લેવા પાટીદાર સંયુક્ત રીતે જોડાયા...

( અહેવાલ -વિનોદભાઈ દેવજીભાઈ સાંખલા - બોઈસર )

શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર - ભુજ દ્વારા આયોજીત સમૂહલગ્નોત્સવમાં સમાવિષ્ટ કરીને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના ૪૨ મા સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન ભુજ મધ્યે તા. 26.01.2023 ને વસંતપંચમીના શુભ દિને કરવામાં આવેલ. જેમાં સત્સંગ સમાજના 21 નવયુગલોની સાથે વિવિધ જ્ઞાતિઓના કુલ મળીને 68 નવદંપતીઓએ સાજન સમાજની ઉપસ્થિતિમાં સપ્તપદીના મંગળફેરા ફરી લગ્નગ્રંથીના પવિત્ર બંધનથી બંધાઈ દાંપત્યજીવનની શુભ શરૂઆત કરેલ. આ ઐતિહાસિક સમૂહલગ્નના એક જ લગ્ન મંડપમાં કડવા તથા લેવા પટેલના સર્વપ્રથમ સમૂહલગ્નનું આયોજન થવું એ ગૌરવની વાત છે.

હરિભાઈ ભગતને વિશેષ જવાબદારી મળેલ...

ભુજ મંદિર આયોજીત સમૂહલગ્નની મુખ્ય આયોજન સમિતિમાં સત્સંગ સમાજના પ્રમુખશ્રી હરિભાઈ કેશરાભાઈ ભગત - મોરબીની સાથે શ્રી હસમુખભાઈ દેવજીભાઈ પોકાર - દયાપર તથા શ્રી દિલીપભાઈ નારણભાઈ સાંખલા - નડિઆદને પણ સ્થાન મળેલ. સમસ્ત સમૂહલગ્ન સમિતિના કન્વીનર તરીકે શ્રી હરિભાઈ ભગતને વિશેષ જવાબદારી મળેલ. તેઓના માર્ગદર્શન હેઠળ દરેક સમિતિના સભ્યો સર્વશ્રી કુંવરજીભાઈ પોકાર - નડિઆદ, વિરજીભાઈ નાકરાણી - ઉણાદ, વાલજીભાઈ ચવાણ - દોલતપર, રામજીભાઈ નાકરાણી - નડિઆદ, ગોવિંદભાઈ ગોગારી - ચંદ્રપુર, લાલજીભાઈ નાકરાણી - વાપી, ખરાશંકરભાઈ ચવાણ - વલસાડે પોતાના સર્વશ્રેષ્ઠ યોગદાનના માધ્યમથી સમૂહલગ્નના આયોજનને સફળ બનાવેલ જેની નોંધ ભુજ મંદિરે તથા અન્ય સમાજોએ પણ લીધેલ છે.

ભુજ મંદિરના પ્રાંગણમાં સામૂહિક ચાંદલાવિધિ તથા મામેરા વિધિ યોજાઈ 

સમૂહલગ્નના આયોજનની સાથે દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ સમૂહલગ્નના આગલે દિવસે તારીખ 25 જાન્યુઆરીના સવારનાં સત્રમાં સત્સંગ સમાજ દ્વારા ભુજ મંદિરના પ્રાંગણમાં સામૂહિક ચાંદલાવિધિ તથા મામેરાવિધિ જેવા 34 સામાજીક પ્રસંગોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. ભારતભરમાંથી પધારેલા સત્સંગ સમાજના દરેક લગ્નાર્થીઓ માટે ભુજમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ. સત્સંગ સમાજના આ આયોજનમાં ભુજ મંદિર તરફથી ખુબ જ સાથ અને સહકાર મળેલ હતો.

સમાજ અને રાષ્ટ્ર પ્રેમનો સંગમ...

વસંતપંચમીના શુભ દિને વહેલી સવારમાં લગ્નાર્થીઓનાં આગમનની શરૂઆત થયેલ. સમૂહલગ્નના કાર્યક્રમનો શુભારંભ સવારનાં છ કલાકે ગણેશ સ્થાપના પૂજન સાથે કરવામાં આવેલ. ત્યાર બાદ રાબેતા મુજબ કાર્યક્રમો જેવા કે લગ્ન વધામણાં તથા વર-કન્યાના માંડવા સમયસર સંપન્ન થયેલ. જોગાનુજોગ વસંતપંચમીના દિને 26 જાન્યુઆરી હોવાથી ગણતંત્ર દિન નિમિતે ભુજ મંદિર તરફથી રાષ્ટ્રધ્વજ વંદના કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવેલ. જેમાં ભુજ મંદિરના વરિષ્ઠ સંતો તથા અન્ય શ્રેષ્ઠીઓના હસ્તે દરેક વર-કન્યાની સાથે ઉપસ્થિત તમામ રાષ્ટ્રપ્રેમી જનતાની હાજરીમાં રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવેલ. રાષ્ટ્રગીત બાદ પુનઃ સમૂહલગ્નના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવેલ.

૨૦ હજાર લોકોની ઉપસ્થિતિ...

વિશેષમાં વરરાજાઓનું વાજતે ગાજતે ઓરકેસ્ટ્રાના સંગે જાનૈયાઓના અતિ ઉત્સાહ અને ઉમંગના સથવારે ધામધૂમથી લગ્નમંડપમાં આગમન થયેલ. ત્યારબાદ દરેક લગ્નવિધિ નિર્ધારિત સમયાનુસાર લગ્નગીતોની સૂરાવલીના તાલે અને ગોર મહારાજના વૈદિક મંત્રોચ્ચારથી વિધિવત સંપન્ન થયેલ. અલગ અલગ જ્ઞાતિઓ તથા રીત રિવાજો હોવા છતાંય એક જ રીત અને વિધિ પ્રમાણે લગ્નવિધિ કરવામાં આવેલ. સમૂહલગ્નના દર્શન કરવા તથા વર-કન્યાને આશીર્વાદ આપવા અંદાજે વીસ હજાર લોકો હાજર રહ્યાં હતાં. દરેક વરરાજાનો શેરવાની શૂટ તથા સાફો તેમજ કન્યાની ચણિયા ચોલી તથા શુકનવંતી ચુંદડી જેવા એક સમાન ડ્રેસ કૉડ સમૂહલગ્નની વિશેષતા હતી જે ભુજ મંદિર તરફથી પ્રસાદરૂપે ભેટ તરીકે આપવામાં આવેલ હતી.

રાજકિય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ...

લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભુજ મંદિરેથી સંતો તથા સાંખ્યયોગી બહેનો તેમજ રાજકીય આગેવાનો વરઘોડિયાઓને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા. મંચ પર દરેક જ્ઞાતિના શ્રેષ્ઠિઓ તથા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના કર્ણધારો તથા શ્રી નરસિંહભાઈ સાંખલા - અમદાવાદ તથા તેમજ કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા અબડાસા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ તથા અન્ય રાજકીય મહાનુભાવોએ તથા સંતોએ સ્થાન ગ્રહણ કર્યું હતું.

દાતાઓનું સન્માન કરવામાં આવ્યું... 

સૌપ્રથમ સંપૂર્ણ સમૂહલગ્નના મુખ્ય દાતાશ્રી રવજીભાઈ ગોવિંદ વરસાણીનું સંતો તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ. ત્યાર બાદ મંગળ પ્રવચનમાં દેવચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સંતો ક્યારેય પણ કોઈ ગ્રહસ્થના લગ્નમાં જતા નથી પરંતુ આજે આ 68 ભાગ્યશાળી જોડલાંને આશીર્વાદ આપવા માટે સંતો પધાર્યા છે. સાથે સાથે તેઓએ શ્રી કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ દ્વારા અખાત્રીજના રવાપર ખાતે જે સમૂહ લગ્નનું આયોજન થાય છે તે આ વખતે મોકુફ રાખીને આ આયોજનની સાથે 42 માં સમૂહલગ્નનો સમાવેશ કર્યો છે તેની ભુજ મંદિરે નોંધ લીધી છે અને સત્સંગ સમાજને અભિનંદન આપ્યા હતા. સાંસદ શ્રી વિનોદ ચાવડાએ નવદંપતીઓને આશીર્વાદ આપી ભુજ મંદિર તરફથી થતી સેવાલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા. ભુજ મંદિરના ઉપમહંતશ્રી તથા મહંતસ્વામી ધર્મનંદનદાસજી સ્વામીએ પણ વર્ચ્યુઅલી આશીર્વાદ આપ્યા હતા. ત્યાર પછી સંતોએ દરેક વરરાજાને મંદિર તરફથી સન્માન પત્ર તથા અન્ય ભેટ સોગાદ અર્પણ કરી હતી. જ્યારે કન્યાઓને સાંખ્યયોગી સામબાઈ ફઇએ ભેટ સોગાદ આપી આશીર્વાદ આપ્યા હતા. સ્ટેજ સંચાલન શુકમુનીદાસજી સ્વામીએ કર્યું હતું. ત્યાર બાદ દરેક મહેમાનોએ મહાપ્રસાદ લીધેલ.

ભોજન સમારંભ પૂરો થયા પછી ત્રણ વાગ્યા બાદ દરેક નવયુગલોએ લગ્નમંડપમાંથી વિદાય લઈ ભુજ મંદિરમાં દર્શન માટે પધાર્યા હતાં. જ્યાં સામૂહિક ફોટોગ્રાફી કરવામાં આવેલ. ત્યાર પછી સૌએ પોત પોતાની અનુકૂળતા પ્રમાણે દરેક લગ્નાર્થીઓએ વિદાય લીધેલ. આ રીતે સમૂહલગ્નોત્સવની ખુબ જ ઉત્સાહપૂર્વક પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106