ગૌરવ : કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે કચ્છી પાટીદાર ડો. મોહનભાઈ પટેલ
કચ્છના ઉચ્ચ શિક્ષણ જગતને માટે એક મોટા સમાચાર મળ્યા છે. ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના પાંચમા કાયમી કુલપતિ તરીકે કચ્છી કડવા પાટીદાર ડો.મોહનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
મુળ કચ્છના સાંયરા(યક્ષ) ગામના વતની અને હાલે આણંદની એન.એસ.પટેલ ઓટોનોમસ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પદે કાર્યરત મોહનભાઈ પટેલે ઉચ્ચ શિક્ષણની સાથે સાહિત્ય ક્ષેત્રમાં પણ મોટું ખેડાણ કર્યું છે. રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાઘ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ ૨૦૨૩ ના સેકશનની કલમ ૧૦ હેઠળ આ નિયુક્તિ કરવામાં આવી છે.
ડો. મોહનભાઈ ૨૦૦૪ થઈ આણંદની એન.એસ.પટેલ ઓટોનોમસ આર્ટસ કોલેજના આચાર્ય પદે કાર્યરત છે. તેમના કાર્યકાળમાં જ આ કોલેજને રાજયની પ્રથમ ઓટોનોમસ કોલેજનું બિરૂદ મળ્યું છે. આ ઉપરાંત તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન ફેકલ્ટી ઓફ ડીન, એપ્રિલ ૨૦૧૪ થી માર્ચ ૨૦૧૬ સુધી કુલસચિવ, અર્થશાસ્ત્રના અનુસ્નાતક વિભાગમાં ૧૪ વર્ષથી લેક્ચર, ભરૂચ અને ડાકોરની કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રાધ્યાપક, પીજી ડિપાર્ટમેન્ટના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
મોહનભાઈને કચ્છ શક્તિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણવિદ્, એબીઆઈ કેલિફોર્નિયા દ્વારા મેન ઓફ ધી યર, આઈબીસી કેમ્બ્રીજ ઈંગ્લેન્ડ તરફથી વિશ્વના અગ્રગણ્ય પ્રાધ્યાપક, ગ્લોબલ ઈકોનોમિક ફોરમ તરફથી એવોર્ડ મળ્યા છે.
શ્રી પટેલે ૧૪ જેટલા પુસ્તક અને બે જર્નલનું સંપાદન કર્યું છે. રાજયની વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનમાં તેઓ સલાહકાર સહિતની સેવા આપી ચૂક્યા છે. કચ્છ સહિત રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર સુધી થતી રજુઆતોમાં મોહનભાઈએ હંમેશા અગ્રેસર ભુમિકા ભજવી છે.
કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે
ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના પાંચમા કુલપતિ પદે રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા નિમણૂંક કરાયા બાદ ગદગદીત સ્વરે મીડિયા સાથે વાત કરતાં મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મારા માટે ગૌરવવંતી ઘડી એટલા માટે છે કે હું મારા માદરે વતનની યુનિવર્સિટીનું કુલપતિ પદ સંભાળવા જઇ રહ્યો છું.
મોહનભાઈએ કહ્યું કે કચ્છના ઉચ્ચ શિક્ષણ સામે અનેક પડકારો છે. આ પડકારોનો કઈ રીતે સામનો કરવો અને કચ્છ યુનિવર્સિટીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેનો રોડમેપ તેઓ વિધિવત પદભાર સંભાળ્યા બાદ અમલમાં મુકશે.
કચ્છ જેની સાથે જોડાયેલું છે એ કૃષિ, હેન્ડીક્રાફટ, ટ્રાન્સપોર્ટ, પ્રવાસન સહિતના ક્ષેત્રને સાંકળી લઈ નવા એકેડેમિક વોકેશનલ કોર્ષ શરૂ થાય અને જે કોર્ષ વર્તમાનમાં કાર્યરત છે તે કઈ રીતે અપગ્રેડ થાય તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. કચ્છ યુનિવર્સિટીમાં ભરતી સહિતના મુદ્દાઓ હાલ અટવાયેલા છે તેનો પણ યોગ્ય રીતે ઉકેલ આવે તે દિશામાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવશે.
નખત્રાણા કોલેજને ગ્રાન્ટેડ કરવામાં સિંહફાળો હતો
મોહનભાઈ પટેલ કચ્છના સાંયરા(યક્ષ) ગામના છાભૈયા પરિવારના છે અને યુવા સંઘના મહામંત્રી તરીકે પણ નોંધપાત્ર સેવા આપી ચૂક્યા છે.
નખત્રાણા ખાતે આવેલ જીએમડીસી કોલેજને ગ્રાન્ટેડ કરવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો અને નખત્રાણા કોલેજના સંચાલનમાં ટ્રસ્ટી તરીકે રહી કોલેજને પગભર બનાવવાના પુરતા પ્રયત્નો કર્યા હતા. પણ સમાજના મોવડીઓ સાથેના વૈચારિક મતભેદોને કારણે તેમણે નખત્રાણા કોલેજનું સંચાલન છોડ્યું હતું.