Spinner's Tale - THE STORY OF SK PATEL | ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડીની ક્રિકેટ સફરને વર્ણવતા પુસ્તકનું વિમોચન
ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી એસ.કે.પટેલની ક્રિકેટ સફરને વર્ણવતા પુસ્તક Spinner's Tale - THE STORY OF SK PATEL નું વિમોચન તાજેતરમાં ચેન્નાઈ ખાતે કરવામાં આવ્યું હતું.જાણીતા સ્પોર્ટ્સ પત્રકાર અને લેખક પરતાબ રામચંદે આ પુસ્તક લખ્યું છે અને પ્રસ્તાવના ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે લખી છે.
તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન કલબ ખાતે તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી શિવકુમારના મુખ્ય મહેમાનપદે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ હિન્દુ દૈનિકના ચેરમેન કે.વેણુગોપાલે આ બુકનું વિમોચન કર્યું હતું.આ પ્રસંગે એસ.કે.પટેલના રણજી ટ્રોફીના જૂના સાથી ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છમાં કાદિયા મોટાના વતની અને હાલમાં બેંગલોર રહેતા શાંતિલાલ ખેતા પટેલે 1975 માં મદ્રાસના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં તામિલનાડુ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફી મેચથી ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. થોડોક સમય તેઓ સૌરાષ્ટ્રની રણજી ટીમ તરફથી પણ રમ્યા હતા. યુનિવર્સિટી કક્ષાએ તેઓ ખૂબ રમ્યા હતા. 1977-78 માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે 29 સંભવિત ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું પણ નસીબે સાથ આપ્યો નહોતો.
1996 માં ક્રિકેટર એસ.કે.પટેલના માનમાં તામિલનાડુ અને આંધ્ર વચ્ચે બેનિફિટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને સોવેનિયર પણ પ્રકાશિત થયો હતો.
1985 બાદ ક્રિકેટ કારકિર્દી પૂરી થવાની લાગણી અનુભવતા તેમણે બેંગલોરમાં વ્યવસાયિક ક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને હાલમાં તેઓ નિવૃત્ત જીવન કચ્છ અને બેંગલોરમાં ગાળી રહ્યા છે.