શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ લકકડગંજ નાગપુર દ્વારા વસંતપંચમીના શુભદિને યોજાયેલ ૩૬ મા સમૂહલગ્નમાં ૧૦ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
પાટીદાર ભવન લકકડગંજ ખાતે કોરોના મહામારીના સરકારી નિયમોના કડક પાલન સાથે યોજાયેલ આ સમૂહલગ્નમાં સમાજના વડીલો અને જ્ઞાતિજનો ઉપરાંત નાગપુરના પ્રથમ નાગરિક મહાપોર દયાશંકર તિવારી, નાગપુરના પૂર્વ આમદાર કૃષ્ણાજી ખોપડે તેમજ પૂર્વ નાગપુરના નગરસેવકોએ ખાસ ઉપસ્થિત રહી વરકન્યાઓને શુભાશિષ આપેલ.
આ શુભ પ્રસંગે સમાજના પ્રમુખ નરશીભાઈ સુરાણી, યુવક મંડળના પ્રમુખ જગદીશભાઈ, મહિલા મંડળના અધ્યક્ષા કસ્તુરબેન સહિતના અગ્રણીઓએ આશીર્વચન આપેલ. કાર્યક્રમનું સંચાલન આયોજન સમિતિના મંત્રી દિનેશભાઈ પોકારે જ્યારે આભારવિધિ સમાજના મહામંત્રી ત્રિભુવનભાઈ રૂડાણીએ કરેલ.
નાગપુર મુકામે ૧૯૮૭ ના વર્ષમાં એક નવયુગલથી સમાજ દ્વારા સમૂહલગ્નની શરૂઆત કરવામાં આવેલ જેમાં ચાલુ સાલ સુધીમાં કુલ ૭૨૯ નવયુગલો જોડાઈને પોતાના લગ્નજીવનની શરૂઆત કરી ચૂક્યા છે,જે કચ્છ પાટીદાર સમાજ લકકડગંજ નાગપુર માટે ગર્વની વાત છે.