ગુજરાતમાં મહાનગરપાલિકા પછી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો ધારણા મુજબ જ ભાજપ તરફી આવ્યા છે અને સર્વત્ર કેસરિયો છવાઈ ગયો છે. ખુદ ભાજપના આગેવાનોએ પણ આવા ભવ્ય વિજયની કલ્પના કરી નહોતી..!
સરહદી કચ્છ પણ ગુજરાત સાથે જ રહ્યું છે. કચ્છ જિલ્લા પંચાયત,ભુજ, માંડવી,અંજાર, ગાંધીધામ અને નવી બનેલ મુન્દ્રા નગરપાલિકા કબજે કરવા ઉપરાંત ૧૦ પૈકી ૮ તાલુકામાં ભાજપનો વાવટો ફરક્યો છે. માત્ર લખપત અને અબડાસા તાલુકાના મતદારોએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરતાં આ બે તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની આ વખતની ચૂંટણીમાં કચ્છના કડવા પાટીદારોએ પણ ડંકો વગાડી દીધો છે. જિલ્લા પંચાયતની ૩ સીટો પર આ વખતે જ્ઞાતિની ત્રણ-ત્રણ મહિલાઓ વિજેતા થતાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટેનો દાવો મજબૂત બન્યો છે. તાલુકા પંચાયતોમાં કુલ ૧૧ પાટીદાર ભાઈ- બહેનો ચૂંટાયા છે જેમાં કોંગ્રેસના ૩ સભ્યોનો પણ સમાવેશ થાય છે.
નખત્રાણા તાલુકામાં જ્ઞાતિના મતદારોએ પ્રથમ વખત રાજકીય પરિપક્વતા અને દૂરંદેશીતા વાપરી મતદાન કર્યું હોય તેવું ચિત્ર પરિણામો જોતાં જણાય છે. જ્યાં આમને- સામને પાટીદાર ઉમેદવારો હતા ત્યાં વિવેકબુદ્ધિ વાપરી પાટીદાર મતદારોએ જાગૃતિના પણ દર્શન કરાવ્યા છે.
સ્થાનિક ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ પણ ખૂબ હતો.કોરોનાનો ભય હોવા છતાં સોશ્યલ ડિસ્ટન્સીગ જાળવ્યા વિના તમામ પક્ષના કાર્યકરો ઘૂમી વળ્યા હતા. ગામડાઓમાં રાત્રે ખારીભાતની પાર્ટીઓ અને મેળાવડાઓએ આકર્ષણ જમાવ્યું હતું તો ક્યાંક જૂના હિસાબ- કિતાબ સરભર કરવાનો મોકો પણ કાર્યકરો ચૂકયા નહોતા...!