તા. ૨૫.૩ના રાત્રે ૯ કલાકે લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન-સંસ્કારધામ, દેશલપરની ધર્મ પ્રચાર સમિતિ આયોજિત આ સત્સંગ સભાના પ્રારંભે સમાજની ત્રણે પાંખના પ્રમુખશ્રીઓએ દિપ પ્રાગટય કરી આરતી ઉતારી હતી.
સભાના શુભારંભે જામથડા ગામના બાલ સંસ્કાર કેન્દ્રના બાળકોએ શ્લોકોનું ગાન કર્યુ હતું. ધીરૂભાઈ ભગતે ચિંતનિકા રજુ કરતાં જણાવ્યું હતું કે માણસને પતન તરફ લઈ જનાર ત્રણ દુશ્મન સમા કામ- ક્રોધ -લોભથી આપણે સૌએ સાવધ રહેવાનું છે. એ માટે આપણે આપણા શાસ્ત્રનું વાચન કરવું જોઇએ. ઘર ઘરમાં દરેક વાલી સનાતન ધર્મના સંસ્કારોનું મૂલ્ય સમજે અને પોતાના બાળકોને પણ ગામમાં ચાલતા સંસ્કાર કેન્દ્રમાં જરૂરથી મોકલીએ તેવો અનુરોધ કર્યો હતો. આપણી સંસ્થાનુ સંસ્કારલક્ષી માસિક લક્ષ્મીનારાયણ દર્શન દરેક ઘરમાં આવતું થાય અને સંસ્કારધામની દેવદ્રવ્ય યોજનામાં દરેક પરિવાર વાર્ષિક પોતાની કમાણીમાંથી ભગવાનનો ભાગ કાઢી રૂપિયા ૧૦૦૦/-પ્રભુના ચરણે ધરી આ યોજનામાં જોડાય તેવો અનુરોધ કન્વીનર રવિલાલ વાલાણીએ કર્યો હતો.
આ સભામાં કાન્તીભાઈ ધોળુ, કાન્તીભાઈ અમૃતિયા, અમૃતભાઈ દડગાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા. રાજુભાઈ રામાણી, સરલાબેન રામાણી, મહેન્દ્રભાઈ છાભૈયા, શિવજીભાઈ સેંઘાણીએ સુમધુર સ્વરોમાં ભાવિકોને ભજનનું રસપાન કરાવ્યું હતું. તબલાં પર સંગત બાબુભાઇ ચોપડા, ધનસુખભાઈ છાભૈયા, ખુશકુમારે આપી હતી.
ધર્મ પ્રચાર સમિતિના સભ્યશ્રી લવજીભાઈ પોકાર, અશોકભાઈ ધોળુ પણ ઉપસ્થિત રહ્યા હતા. જામથડા સમાજના પ્રમુખશ્રી જેન્તિભાઇ રામાણીએ સંસ્કારધામ દ્વારા દેવદ્રવ્ય યોજના અને લક્ષ્મીનારાયણ દર્શનના વધુને વધુ પરિવારો જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સભામાં સ્વાગત પ્રવચન હિતેશભાઈ ધોળુએ કર્યું હતું. સંચાલન મનિષભાઇ રામાણીએ અને આભાર દર્શન કેશવજીભાઇ ધોળુએ કર્યું હતું. પ્રસાદ લઈ સૌ વિખૂટા પડયા હતા.