સરહદી લખપત તાલુકામાં સ્થાનિકે પાટીદારોની ખુમારી અને મિજાજ ટકાવી રાખનાર પાટીદાર સમાજના જાંબાઝ અગ્રણી અને પીઢ કોંગ્રેસી નેતા ડાહ્યાભાઈ નથુભાઈ મૈયાતનું દુઃખદ નિધન થયું છે. તેઓ ૭૫ વર્ષના હતા.
'બંડીવાળા બાપા' તરીકે સમગ્ર પાંચાડામાં પ્રખ્યાત ડાહ્યા બાપા સ્પષ્ટ વક્તા અને હાજર જવાબી હતા અને ગમે તેવા ચમ્મરબંધીને મોઢેમોઢ સંભળાવી દેતા..ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પાછળ હટીને મારગ દેવો તેમના સ્વભાવમાં નહોતું. તેમના નીડર વ્યક્તિત્વનો પરિચય દયાપર ગામ અને તાલુકા સમાજને અનેક વખત થયો છે.
રાજકીય ક્ષેત્રે તેમણે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી.ગામના દરેક સારા કાર્યમાં તેઓ અડિખમ ઉભા રહેતા હતા. સમાજના નાના વર્ગનો હમેશાં હાથ પકડનાર ડાહ્યાબાપા મૈયાતે દાતા તરીકે પણ સારી નામના મેળવી હતી.
સમાજની દરેક પ્રવૃત્તિમાં તેમની સક્રિયતાથી સ્થાનિક કાર્યકરોને પણ જબરજસ્ત પીઠબળ મળતું. દયાપર ગામ, લખપત તાલુકા સમાજમાં ભલે કોઈ મોટા હોદ્દા ભોગવ્યા નહોતા પણ સમાજમાં તેમનું મોટું વજન રહેતું.
છેલ્લા થોડા સમયથી તેમને ફેફસાંની તકલીફ થતાં ભુજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નીવડતાં ગઈ કાલે સાંજે તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.તેમની વિદાયથી દયાપર ગામ અને સમગ્ર લખપત તાલુકાને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.