કોરોના મહામારીને લઈને આ વખતે હોળીનો રંગ ફિક્કો પડયો હોવા છતાં લોકોએ શ્રધ્ધાપૂર્વક ગામેગામ હોલીકા દહનની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. હોળીના સ્થળે જઈને પ્રદક્ષિણા ફર્યા બાદ શ્રીફળ પધરાવી હોલીકા માતાના દર્શન કર્યા હતા.નવા પરણેલા વરઘોડીયા અને નવા જન્મેલા શિશુઓએ હોળી માતાની ભક્તિભાવ પૂર્વક પ્રદક્ષિણા કરી હતી.
હોલીકા દહન બાદ હોળીની અગ્નિની જ્વાળા કઈ દિશામાં રહે છે તેના પરથી આગામી ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે.આ જ કારણે શાસ્ત્ર અનુસાર સંધ્યા સમયે મુહૂર્ત જોઈ હોળી પ્રગટાવવામાં આવે છે.
આ વખતે કચ્છમાં હોળીના પ્રાગટ્ય સમયે પવનની દિશા પશ્ચિમની રહી હતી જે ભડલી વાકય મુજબ શુભ સંકેત છે. પશ્ચિમનો વાયુ ઉત્તમ ફળ આપે તેવું માનવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં અને હિન્દુ શાસ્ત્રોના દિશા નિર્દેશ પ્રમાણે સામે ઉત્તરાયણે , સામે હોળીએ, શ્રાદ્ધ પક્ષમાં તેમજ અધિક માસમાં કોઈ પણ પ્રકારના શુભ પ્રસંગના આયોજનને વર્જિત માનવામાં આવે છે. હોળાષ્ટકમાં કોઈ પણ નવું કાર્ય,શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવું ઉચિત ગણાતું નથી.
હોળીના તહેવાર સાથે જ હોળાષ્ટકની પણ સમાપ્તિ થઈ હતી જેના પગલે હવે વાસ્તુ,લગ્ન,સગાઈ,જમીન-મકાન ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાશે.