ગુજરાતના ચરોતર વિસ્તારમાં વસતા કચ્છ કડવા પાટીદાર સમાજના લોકોમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો હોય તેમ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો મહામારીનો ભોગ બન્યા છે.
માત્ર પેટલાદ સમાજમાં જ ૩૦ થી ૩૫ જેટલા સક્રિય પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું અહીં રહેતા યુવા સંઘના ઉપપ્રમુખ મોહનભાઈ ધોળુએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. પોતાના સહિત ખુદ તેમના ઘરના ૭ સભ્યો કોરોના પોઝિટિવ છે અને હોમ કવૉરન્ટાઈન છે ! પેટલાદમાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે આના પરથી ખ્યાલ આવે છે.
ચરોતરના આણંદ,નડિયાદ સહિતના શહેરોમાં વસતા કેકેપી સમુદાયમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીએ હાંજા ગગડાવી નાંખ્યા છે..આ મહામારીમાં અનેક લોકો દિવંગત થઈ જતાં લોકોમાં મહામારીને લઈ ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદ સમાજમાં પણ કેટલાક કેસ હોવાનું જાણવા મળે છે.
પેટલાદ, આણંદ વિસ્તારમાં રહેતા લખપત તાલુકાના સિયોત,લાખાપર,મેઘપર ગામના પરિવારોમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં મરણના કિસ્સાઓ બનતાં ભય ફેલાયો છે.અત્રે એ યાદ રહે કે ચરોતર પંથકમાં લખપત તાલુકાના ભાઈઓની ખૂબ મોટી વસતિ છે.
કાળમુખા કોરોનાનું એક વર્ષ તો લોકોએ જેમતેમ કરીને પસાર કરી નાખ્યું પણ કોરોનાના નવા અવતારે ફરી એક વખત લોકોમાં દહેશત ફેલાવી દીધી છે. કોવિડના સરકારી નિયમોનું પાલન અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ કરવામાં જ સૌ કોઈની ભલાઈ છે તે હવે દરેકે સમજવું જ પડશે.