Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

જયસુખભાઈ ડાયાણી...GTY-5411 થી તા.પં. પ્રમુખ સુધીની સફર !339339 Views

ધાવડા મોટા ગામના ૫૮ વર્ષિય જયસુખભાઈ ડાયાણી તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નખત્રાણા તાલુકા પંચાયતની વિથોણ સીટ પર ભાજપની ટિકિટ પર જંગી બહુમતિથી જીતી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. એક સમયે લિગ્નાઈટની ટ્રકમાં ડ્રાઈવર તરીકેની નોકરી પણ કરી ચૂકેલા જયસુખભાઈ બાપ-દાદાના ખેતી-ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં તો આગળ વધ્યા જ પણ જાહેર જીવનમાં પણ કુશળ ડ્રાઈવિંગ કરતા કરતા હવે તાલુકા પંચાયતનું સ્ટીયરીંગ સંભાળ્યું છે.

નખત્રાણા તાલુકાના ધાવડા મોટા ગામમાં તા.૧૧-૯-૧૯૬૨ના તેમનો જન્મ. મધ્યમવર્ગનો પરિવાર. પિતા હરજીભાઈ હંસરાજ ડાયાણીની સાધારણ ખેતીવાડી એટલે તે સમયના માહોલ મુજબ લિગ્નાઈટની ટ્રકમાં તેમના પિતા ડ્રાઈવરની નોકરી કરતા. વિથોણની જ્ઞાન સરિતા હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા બાદ જયસુખભાઈ પણ પૈતૃક વ્યવસાયમાં જ જોડાયા.

કચ્છમાં જ્યારે પાનધ્રો લિગ્નાઈટ ખાણ અને ટ્રકોનો જમાનો હતો તે અરસામાં ૧૯૮૨ થી ૧૯૯૩ સુધી તેમણે ટ્રકનું ડ્રાઈવિંગ પણ કર્યું. શરૂઆતમાં નખત્રાણાના હિરાલાલ ભાણજી કેશરાણીની ટ્રક ચલાવતા. પછી પોતાની ટ્રક લીધી. GTY-5411 નંબરની આ ગાડી તેમણે ૧૫ વર્ષ ચલાવી ! આત્મનિર્ભર ધાવડાની આ શરૂઆત હતી !

૧૯૯૫માં ધાવડા મોટા ગામના ઉપસરપંચથી તેમણે જાહેર જીવનની શરૂઆત કરી. રાજકિય ક્ષેત્રે ભાજપની વિચારસરણી સાથે મેળ ખાતાં તેમાં જોડાયા. નાનપણમાં જયસુખભાઈએ ગરીબી જોઈ હતી એટલે રાજકારણમાં આવ્યા પછી છેવાડાના નાના માણસની પીડા અને પ્રશ્નો સમજી તેના ઉકેલ માટે સતત પ્રયાસો કરતા રહ્યા. ચૂંટણીમાં હાર પણ થઈ છતાં નાસીપાસ થયા વિના સેવાકિયા કાર્યોમાં અને પક્ષીય પ્રવૃત્તિમાં સતત સક્રિય રહ્યા અને આખરે તેમનો સિતારો ચમકી ગયો !

જયસુખભાઈ ડાયાણી ભાજપના સંગઠનમાં પ્રથમથી સક્રિય રહ્યા છે. ૧૯૯૯ થી ૨૦૦૧ સુધી નખત્રાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ ઉપરાંત ૨૦૦૧ થી ૨૦૦૩ સુધી કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ, નખત્રાણા તાલુકા ભાજપના ૨૦૦૪ થી ૨૦૦૬ સુધી ઉપપ્રમુખ, નખત્રાણા તાલુકા ભાજપના ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી પ્રમુખ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ૨૦૧૦ થી ૨૦૧૧ સુધી મંત્રી અને ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી મહામંત્રીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. હાલમાં જિલ્લા ભાજપની કારોબારીમાં સભ્ય તરીકે ૨૦૧૬ થી ચાલુ છે અને ગાંધીધામશહેર સહપ્રભારીની જવાબદારી સંભાળે છે.

ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ તેમની ઉજ્જવળ કારકિર્દી રહી છે. ધાવડા મોટા જુથ ગ્રામપંચાયતના સરપંચ તરીકે ૧૯૯૫ થી ૨૦૦૪ સુધી ૧૦ વર્ષ તેમની કામગીરી નેત્રદિપક રહી છે. ૨૦૦૫માં તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા બાદ ૨૦૦૯ થી ૨૦૧૦ સુધી નખત્રાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે.

સહકારી ક્ષેત્રે પણ તેઓ હંમેશા સક્રિય રહ્યા છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લી.ના ૨૦૧૬માં વાઈસ ચેરમેન અને નખત્રાણા તાલુકા જીનીંગ એન્ડ કોટન પ્રા.લી.ના ૨૦૧૪માં ચેરમેન રહ્યા છે. ધાવડા મોટા સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ તરીકે ૨૦૧૭થી અને ધાવડા મોટા દૂધ મંડળી લી.ના પ્રમુખ તરીકે ૨૦૧૯થી ચાલુ છે. નખત્રાણા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર તરીકે પણ ૨૦૧૪થી ચાલુમાં છે.

ધાવડા પાટીદાર સમાજના મહામંત્રી તરીકે પણ તેઓ કાર્યરત છે. વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાના કારોબારી સભ્ય તરીકે પણ છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ભુજમાં ૧૫ વર્ષ શીરવી ટ્રાન્સપોર્ટ ચલાવી. યક્ષ પાસે પેટ્રોલપંપ ઉપરાંત મંગવાણા પાસે નવીન ડ્રીલીંગ ફલુડ્‌સ એન્ડ મિનરલ્સ પ્રા.લિ.ના નામે કંપની ચલાવે છે તેના ડાયરેક્ટર છે.

પરિવારમાં પત્ની કમળાબેન ઉપરાંત પુત્ર નીતેશ અને બે પુત્રી ચેતના તેમજ દીપા છે. ચેતના લગ્ન કરીને મોરબી છે જ્યારે દીપા વ્યારા ખાતે આવેલ બ્રહ્માકુમારી સંસ્થાનમાં સેવા આપે છે. પુત્ર નીતેશ પેટ્રોલપંપ સંભાળે છે.

જાહેર જીવન સિવાયના સમયમાં જયસુખભાઈ ધાવડા ગામની નજીક જ આવેલ તેની અજોરવાડીમાં જ હોય છે. ધાવડા મોટા અને સુખસાણમાં મળી કુલ ૧૦ એકર પીયત જમીન છે જેમાં બાગાયતીમાં દાડમઅને આંબા છે.

તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ જયસુખભાઈ ડાયાણી હવે વ્યસ્ત થઈ ગયા છે. હાલમાં તો અભિનંદન માટે આવતા પક્ષના કાર્યકરો અને શુભેચ્છકોથી સતત વીંટળાયેલા રહે છે. જયસુખભાઈના મિત્ર અને તેમના ‘સારથી’ જેવા નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણીની ઉપસ્થિતિમાં નખત્રાણા તાલુકા પંચાયત ભવન ખાતે તેમની ચેમ્બરમાં ‘પાટીદાર સૌરભ’ એ તેમની સાથે કરેલ વાતચીતના કેટલાક અંશ...

* પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી કેવું લાગે છે?

- એક કાર્યકર તરીકે વર્ષોથી કામકર્યું છે. સંગઠન અને બીજી સંસ્થાઓમાં પણ જવાબદારી સંભાળી છે. તાલુકાની જનતાની સેવા કરવાની તક મળી છે એટલે આનંદ તો હોય જ. પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી જવાબદારી સુપ્રત કરી છે એટલે બમણા જુસ્સાથી હવે કામકરવું પડશે.

* નખત્રાણા વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે...

- નખત્રાણા ગામને નગરપાલિકાનો દરજ્જો આપવાની વાત હોય કે પછી બાયપાસનો મહત્ત્વનો મુદ્દો હોય, તમામપ્રશ્નોના વહેલી તકે નિરાકરણ લાવવાનો મારો પ્રયાસ રહેશે. નખત્રાણામાં ટાઉન હોલ અને બગીચાની પણ ખાસ જરૂરિયાત છે. આ બધી ખૂટતી કડીઓ પૂર્ણ કરી લોકોએ મુકેલ વિશ્વાસ સાર્થક કરવાનો પ્રયાસ નિષ્ઠાપૂર્વક કરીશું. આપણા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ખૂબ સક્રિય છે. એટલે લોકોની અપેક્ષાઓ મુજબ પરિણામજરૂર લાવી બતાડીશું.

* રાજકિય ક્ષેત્રે આગળ આવવા માંગતા જ્ઞાતિના યુવાનો માટે શું સંદેશ છે?

- હવેના જમાનામાં રાજકારણની દરેક ક્ષેત્રમાં જરૂર પડવાની જ છે. સમાજના યુવાનોએ રાજકારણમાં લાંબી રેસના ઘોડા બનતા શીખવું પડશે. જાહેર જીવનમાં દરેકને હોદ્દા ન મળી શકે પણ તમે ધારો તો કિંગ મેકર જરૂર બની શકો.

અંતરિયાળ ગામોમાં આપણી વસતિ સાવ ઘટતી જાય છે. બહાર રહેતા આપણા ભાઈઓએ સ્થાનિક યુવાનોને પ્રોત્સાહિત કરવા જ જોઈએ. માત્ર ચૂંટણી સમયે જ પ્રવૃત્ત રહેવાને બદલે સેવાકિય પ્રવૃત્તિમાં કાર્યરત રહી લોકોનો વિશ્વાસ અને પ્રેમકેળવવો જોઈએ. ખાસ તો રાજકારણમાં દરેક લોકોનો પ્રેમસંપાદન કરવો જોઈએ.

* રાજકારણમાં આપનો આદર્શ...?

- જુઓ, આપણા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની કાર્યશૈલીથી હું પ્રથમથી જ પ્રભાવિત છું. તેમની હૂંફ અને માર્ગદર્શન સતત મળ્યું છે. બાકી, રાજકારણમાં અટલબિહારી બાજપાઈ મારા આદર્શ રહ્યા છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106