કચ્છ જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણાબેન ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ આજરોજ ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની મુલાકાત લીધી હતી અને વર્તમાન કોવિડની પરિસ્થિતિ અંગે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી કોરોના સામેની લડાઈમાં સમાજનો સહયોગ માગ્યો હતો.
ગુજરાતના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ કોરોના મહામારીના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે ત્યારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની પણ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ કાર્યવાહીના ભાગરૂપે જ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ આજે ભુજ ખાતે સમાજની કુમાર અને કન્યા વિધાર્થી હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી નિરીક્ષણ કર્યું હતું.
વાંઢાય ખાતેની મિટિંગમાં તંત્ર દ્વારા કોરોના મહામારી સામેની લડાઈમાં પાટીદાર સમાજનો તમામ પ્રકારનો સહયોગ માંગવામાં આવ્યો હતો જેના પ્રતિસાદમાં પાટીદાર આગેવાનોએ સહયોગની ખાતરી આપી હતી.
આ બેઠકમાં ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, મંત્રી બાબુભાઈ ચોપડા,સંસ્કારધામના પ્રમુખ જેઠાભાઈ ચોપડા, મંત્રી રતિભાઈ પોકાર, કેન્દ્રીય સમાજના મંત્રી પ્રવિણભાઈ ધોળુ, ખજાનચી છગનભાઈ રૈયાણી, કચ્છ યુવાસંઘના પ્રમુખ છગનભાઈ ધનાણી, મંત્રી શાંતિલાલ નાકરાણી સહિતના સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.